
અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા ડેમોક્રેટ જો બાઇડને અમેરિકાના લશ્કરના નિવૃત્ત વડા જનરલ લોઇડ ઓસ્ટિનને પોતાના સંરક્ષણ પ્રધાન તરીકે પસંદ કર્યા છે, એમ સૂત્રોને ટાંકીને વિવિધ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. જોકે આ અંગેની સત્તાવાર શુક્રવારે થવાની ધારણા છે. લોઇડ ઓસ્ટિન રૂપે અમેરિકાને તેના ઇતિહાસમાં પહેલ અશ્વેત સંરક્ષણ પ્રધાન મળશે. લોઇડે 2003માં બગદાદમાં અમેરિકાના લશ્કરી દળની આગેવાની લીધી હતી.
અમેરિકામાં છેલ્લા થોડા સમયથી પોલીસ અને અશ્વેત વસતિ વચ્ચે થઇ રહેલી અથડામણને ધ્યાનમાં રાખીને કરાયેલી આ પસંદગીથી અશ્વેતવસતિ રાજી થશે એવી બાઇડનની ધારણા હોય તો નવાઇ નહીં. જનરલ ઓસ્ટિન પહેલી એવી લશ્કરી વ્યક્તિ છે જેણે લડાઇના મેદાનમાં બહાદૂરી દેખાડી હોય અને નિવૃત્ત થયા બાદ સંરક્ષણ પ્રધાન બન્યા હોય.
જનરલ લોઇડ એવી પહેલી અશ્વેત વ્યક્તિ છે જેણે લડાઇના મેદાનમાં એક આખી ડિવિઝનનું નેતૃત્વ સંભાળ્યું હોય. અમેરિકી ન્યૂઝ વેબસાઇટ પોલિટિકોના અહેવાલ મુજબ આજે (મંગળવારે) સવારે લોઇ઼ડના નામનો અણસાર આપવામાં આવ્યો હતો. જનરલ લોઇડ 2016માં અમેરિકી લશ્કરના સેન્ટ્રલ ઇન કમાન્ડની પોસ્ટ પરથી નિવૃત્ત થયા હતા.
અત્યાર અગાઉ ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામાના એક સાથીદારનું નામ ઊપસ્યું હતું પરંતુ પાછળથી એ નામ પડતું મૂકાયું હતું અને જનરલ લોઇડનું નામ ઊભર્યું હતું.
