કોરોના મહામારીને કારણે અમેરિકામાં મૃત્યુઆંક 2 લાખને વટાવી ગયો છે. વિશ્વમાં કોરોનાના કેસોમાં ફરી ઝડપથી વધારો થઈ રહ્યો છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશમાં પ્રેસિડન્ટની ચૂંટણીના માત્ર 41 દિવસ બાકી છે ત્યારે આટલો મોટો મૃત્યુઆંક નોંધાયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ વિશ્વભરમાં નવા કેસોમાં વિક્રમજનક વધારા અંગે ચેતવણી આપી છે.
પ્રેસિડન્ટની ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાયડન સામે આકરી સ્પર્ધાનો સામનો કરી રહેલા પ્રેસિડન્ટ ટ્રમ્પે જણાવ્યું હતું કે 2 લાખનો આંક શરમજનક છે અને તે માટે ચીન જવાબદાર છે.સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલીની વાર્ષિક સભામાં વિડિયો સંબોધનમાં ટ્રમ્પે ચીન પર હુમલો કરીને કોરોના વાઇરસને ચાઇના વાઇરસ કહ્યો હતો. યુએનના રાજદ્વારી બેઠકમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે વિશ્વમાં આ વાઇરસના ફેલાવા માટે આપણે ચીનને જવાબદાર ગણવું જોઇએ. કોરોનાથી અમેરિકામાં વિશ્વના સૌથી વધુ મૃત્યુ નોંધાયા હોવા છતાં ટ્રમ્પ તેની ગંભીરતની સતત અવગણના કરી રહ્યા છે.
AFPના ડેટા અનુસારમાં કોરોનાથી વિશ્વમાં 31 મિલિયન લોકો અસરગ્રસ્ત બન્યા છે અને આશરે 9.62 લાખ લોકોના મોત થયા છે.
વિશ્વ આરોગ્ય સંગઠને સોમવારે જણાવ્યું હતું કે 20 સપ્ટેમ્બરના એક સપ્તાહમાં વિશ્વમાં કોરોનાના આશરે બે મિલિયન કેસ નોંધાયા છે. અગાઉના સપ્તાહની સરખામણીમાં છ ટકાનો વધારો આ મહામારીના ફેલાવીના પ્રારંભ પછી એક સપ્તાહના સૌથી વધુ નવા કેસ છે. બ્રિટનમાં વધતાં મૃત્યુઆંકને કારણે નવેસરથી નિયંત્રણો લાદવામાં આવ્યા છે.