પ્રેસિડેન્ટ બાઇડેને અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામેલાઓનો આંકડો પાંચ લાખથી વધી જવા અંગે ઘેરા આઘાત સાથે હૈયું ભાંગી ગયાની લાગણી વ્યક્ત કરી દેશવાસીઓને મહામારી સામે એકસંપથી લડવા અનુરોધ કર્યો હતો. પ્રમુખે નાગરિકોને સાવચેત રહેવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળળવા, રસી લેવા તથા અન્ય તમામ તકેદારી લેવા જણાવ્યું હતું.
કોરોનાના મૃતકોનો આંકડો પાંચ લાખથી ઉપર જતાં વ્હાઇટ હાઉસની બહાર મૃતકોને ભાવાંજલિ અર્પવા પ્રગટાવેલી 500 મિણબત્તીઓના પ્રતિક સાથે પ્રમુખ બાઇડેન, ફર્સ્ટ લેડી જિલ બાઇડેન, ઉપપ્રમુખ કમલા હેરિસ, તેમના પતિ ડગ એમ્હોફે ભાવવાહી મુદ્રામાં એક મિનિટનું મૌન પાળ્યું હતું. વ્હાઇટ હાઉસ તેમજ દેશભરમાં સરકારી કચેરીઓ તથા વિશ્વભરમાં અમેરિકી દૂતાવાસો ઉપર અમેરિકી રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો હતો.