અમેરિકામાં શુક્રવારે કોરોનાનો કુલ મૃત્યુઆંક 7 લાખને વટાવી ગયો હતો. વિશ્વની ટોચની મેડિકલ સુવિધા ધરાવતા આ સમૃદ્ધ દેશમાં હાલમાં સરેરાશ ધોરણે દરરોજ કોરોનાના નવા 1.12 લાખ કેસ નોંધાય છે અને દરરોજ 1,900 લોકો મોતને ભેટે છે.
કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને વેક્સિન ન લીધેલા અમેરિકન નાગરિકોમાં હાહાકાર મચાવ્યો હતો અને માત્ર સાડા ત્રણ મહિનામાં કોરોનાનો મૃત્યુઆંક 6 લાખથી વધીને 7 લાખ થયો હતો. આ અત્યંત દુઃખદ આંકડો ખાસ કરીને ફ્રન્ટલાઇન જાહેર આરોગ્ય કર્મચારીઓ તથા મેડિકલ પ્રોફેશન્સ માટે વધુ હતાશાજનક છે, કારણ કે અમેરિકા પાસે છ મહિના પહેલાથી તમામ લાયકાત ધરાવતા લોકો માટે વેક્સિન ઉપલબ્ધ છે તથા વેક્સિનથી હોસ્પટલાઇઝેશન અને મોત સામે મોટું રક્ષણ મળે છે. આમ છતાં અમેરિકાના આશરે 7 કરોડ નાગરિકોએ હજુ વેક્સિન લીધી નથી. તેનાથી વેરિયન્ટ બેફામ બન્યો છે.
યુએફ હેલ્થ જેક્સનવિલેના નર્સ મેનેજર ડેબી ડેલાપાઝે જણાવ્યું હતું કે કોરોનાથી દર્દી મરે છે અને આવું ન થવું જોઇએ. ઉનાળામાં કોરોનામાં ઉછાળો આવ્યો ત્યારે હોસ્પિટલમાં એક તબક્કે દરરોજ આઠ લોકોના મોત થતા હતા. આ એવી દુઃખદ ઘટના છે કે જે ફરી ન થવી જોઇએ.
અમેરિકામાં મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ તેમાં સુધારાના સંકેત મળી રહ્યાં છે. રાષ્ટ્રીય સ્તરે જોઇએ તો હાલમાં હોસ્પિટલમાં હોય તેવા દર્દીઓની સંખ્યા ઘટીને આશરે 75,000 થઈ છે, જે સપ્ટેમ્બરના પ્રારંભમાં આશરે 93,000 હતી. કોરોનાના નવા કેસોમાં પણ ઘટાડાનો ટ્રેન્ડ છે. હાલમાં સરેરાશ ધોરણે દરરોજ આશરે 1.12 લાખ કેસ નોંધાયા છે. છેલ્લાં છેલ્લા અઢી સપ્તાહમાં આશરે ત્રીજા ભાગના છે. કોરોના મોતમાં પણ ઘટાડો થઈ રહ્યો તેમ લાગે છે. હાલમાં સપ્તાહમાં સરેરાશ ધોરણે દરરોજ 1,900 લોકોના મોત થાય છે, એક સપ્તાહ પહેલા દરરોજ 2,000 લોકો મરતા હતા.
અમેરિકામાં ટોચના ઇન્ફેક્શન ડિસીઝ નિષ્ણાત ડો. એન્થની ફૌસીએ શુક્રવારે ચેતવણી આપી હતી કે કોરોનામાં ઘટાડાના ટ્રેન્ડ મળી રહ્યાં છે તે સારા સમાચાર છે, પરંતુ તે વેક્સિન ન લેવાનું બહાનું ન બનવું જોઇએ.હજુ ઘણી અનિશ્ચિતતા છે. ફ્લૂ સીઝનને કારણે કોરોનામાં કેવો ફેલાવો થાય છે તેનો કોઇ અંદાજ નથી. આ ઉપરાંત હજુ પણ વેક્સિન ન લીધેલા લોકો તેમનું મન બદલશે કે નહીં તે અંગે પણ અનિશ્ચિતતા છે.
યુનિવર્સિટી ઓફ મિનેસોટાના સેન્ટર ફોર ઇન્ફેક્શન્સ ડિસીઝ રિસર્ચ એન્ડ પોલિસીના ડિરેક્ટર માઇક ઓસ્ટરહોમે ચેતવણી આપી હતી કે “જો તમે વેક્સિન નહીં લીધી હોય અને માત્ર કુદરતી રક્ષણ હશે તો કોરોના વાઇરસ તમને શોધી કાઢશે. ” કોરોના કેસમાં ઘટાડાને ટ્રેન્ડને કારણે ઓક્ટોબરના અંત સુધીમાં મિલિટરી ટીમ પણ પાછી ખેંચી લેવામાં આવશે.