દુનિયાની મહાસત્તા કોરોના વાઇરસની મહામારી સામે લાચાર બનીને ઝઝૂમી રહી છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર ગુરુવારથી અત્યાર સુધીના ૨૪ કલાકમાં અમેરિકામાં કોવિડ-૧૯ના ઇતિહાસના સૌથી વધુ ૩૩૩૨નાં મોત નોંધાયાં હતાં. આ સાથે અમેરિકામાં મોતનો કુલ આંકડો ૫૦,૦૦૦ને પાર કરીને ૫૦,૪૪૨ પર પહોંચી ગયો હતો. દેશમાં કોરોનાના નવા ૩૪,૮૨૮ પોઝિટિવ કેસ સામે આવતાં કુલ દર્દીઓની સંખ્યા ૮,૯૧,૬૨૨ પર પહોંચી હતી.
અમેરિકામાં આટલા મોટા પ્રમાણમાં મોત નોંધાઇ રહ્યાં હોવા છતાં રાજ્યો નિયંત્રણો હટાવવાની યોજના બનાવી રહ્યાં છે. મુખ્યત્વે રિપબ્લિકન શાસિત રાજ્યો તેમાં સામેલ છે. બીજીતરફ મિશિગન સ્ટેટના ગવર્નરે લોકડાઉન લંબાવવાનો નિર્ણય કરતાં મિશિગનના સાંસદોએ ગવર્નરને ઊથલાવી દેવાની યોજના બનાવી છે. ગુરુવારે ગવર્નરના નિવાસસ્થાન સામે લોકડાઉન ખોલવાની માગ સાથે મોટા પ્રમાણમાં દેખાવો યોજાયા હતા. મિશિગનમાં અત્યાર સુધીમાં ૨૯૦૦નાં મોત થયાં છે.
બીજી તરફ બ્રિટનમાં પણ ૨૪ કલાકમાં વધુ ૭૬૧ લોકોનાં મોત થતાં મોતનો કુલ આંકડો ૧૯,૫૦૬ પર પહોંચી ગયો હતો. આગામી દિવસોમાં બ્રિટન પણ ૨૦,૦૦૦ મોત ધરાવતા દેશોની યાદીમાં સામેલ થઇ જશે. યુરોપના અન્ય દેશોમાં પણ કોરોનાનો હાહાકાર યથાવત રહ્યો હતો.
છેલ્લા ૨૪ કલાકમાં સ્પેનમાં ૪૪૦, ઇટાલીમાં ૪૬૪, ફ્રાન્સમાં ૫૧૬, જર્મનીમાં ૨૬૦, તૂર્કીમાં ૧૧૫, બેલ્જિયમમાં ૨૨૮નાં મોત નોંધાયાં હતાં. યુરોપમાં અત્યાર સુધીમાં કુલ ૧,૧૫,૨૩૭ મોત નોંધાઇ ચૂક્યાં છે અને પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૨ લાખને પાર કરી ગઇ છે. સમગ્ર વિશ્વમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧,૧૦,૦૦૦ કરતાં વધુ પોઝિટિવ કેસ નોંધાતાં કુલ કેસનો આંક ૨૭,૫૪,૫૦૬ પર પહોંચ્યો હતો. ૨૪ કલાકમાં વધુ ૮૦૦૦ મોત સાથે વિશ્વમાં કુલ મોતની સંખ્યા ૧,૯૨,૩૭૭ પર પહોંચી હતી.