અમેરિકામાં કોરોના વાઈરસના ડેલ્ટા વેરિયન્ટના રોજ એક લાખથી વધુ નવા કેસો નોંધાતા રોગચાળાએ ફરી માથું ઉંચક્યુ છે, ત્યારે રસીકરણની ઝડપ પણ વધારવામાં આવી હોવાનો સરકારે દાવો કર્યો છે. વ્હાઇટ હાઉસના કોરોના સંબંધિત આંકડા વિભાગના વડા સાઇરસ શાહપરે જણાવ્યું હતું કે, 165 મિલિયન લોકોને મોર્ડેના / ફાઇઝરની રસીના બે ડોઝ અથવા જહોન્સનની રસીનો એક ડોઝ અપાઇ ચૂક્યો છે.
બાઇડેન તંત્રએ તમામ સરકારી કર્મીઓને રસીના બંને ડોઝ લેવા અથવા સપ્તાહમાં બે વખત કોવિડ ટેસ્ટીંગના આદેશ આપવા સાથે વધુ આકરા પગલાંનો નિર્દેશ આપ્યો છે. અમેરિકામાં દરરોજ 90,000થી એક લાખ સરેરાશ ધોરણે કેસો ઝડપથી વધી રહ્યા છે. એક સપ્તાહથી દરરોજ 7300 હોસ્પિટલોમાં દાખલ કરાઇ રહ્યા છે તથા પ્રતિદિન 380 મોત નોંધાઇ રહ્યા છે.
દેશમાં નવા કેસ વધારાના ત્રીજા ભાગના કેસો ફલોરિડા ટેક્સાસમાં છે. આ ઉપરાંત લુઇસિયાના, મિસિસિપી તથા દેશમા અંતરિયાળ દક્ષિણ ભાગોમાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. કેસો વધવાની સાથે દેશમાં ફરીથી નિયંત્રણો લદાવા ઉપરાંત ન્યૂ યોર્ક, લોસ એન્જેલસમાં રેસ્ટોરન્ટ્સ અને જીમમાં પ્રવેશ માટે રસીના સર્ટીફીકેટ માંગવામાં આવે છે.
દરમિયાનમાં રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાના વડા ફ્રાન્સિસ કોલિન્સે ચેતવણી આપી છે કે, કોરોનાને કાબૂમાં રાખવાની લડાઇમાં દેશ નિષ્ફળતાના માર્ગે છે. તેમણે જણાવ્યું હતું કે, દેશ એવા મુકામે પહોંચી ગયો છે કે જ્યાં તેણે જવું જોઇતું ન હતું.
ફેબ્રુઆરી પછી કોરોનાના નવા કેસો પ્રતિદિન 118000ની નવી ટોચે પહોંચવા ઉપરાંત છેલ્લા બે સપ્તાહમાં મૃત્યુદર 89 ટકા વધ્યો છે. કોરોના મહામારીથી અત્યાર સુધીમાં વિશ્વમાં 4.3 મિલિયન મોત થયા છે. જેમાંથી એકલા અમેરિકામાં જ 615,000 મોત નોંધાયા છે.
દરમિયાનમાં ડીસીઝ કંટ્રોલ સેન્ટરે જણાવ્યું હતું કે, બે વર્ષ કે તેથી વધુ વયના બાળકોએ શાળાઓ સહિત જાહેર બંધિયાર સ્થળોએ માસ્ક પહેરવા હિતાવહ છે. ડીસીઝ કંટ્રોલ એજન્સીએ રસી નહીં લીધેલાને રસી લીધેલાઓ કરતાં કોરોનાનો ચેપ લાગવાનું જોખમ બે ગણું વધુ હોવાની ચેતવણી આપી છે.
માસ્ક પ્રત્યેના ખચકાટથી જ કોરોના વાઈરસના રોગચાળાનું નવું ચિંતાજનક મોજું ફરી મુશ્કેલી ઉભી કરી શકે છે એવી દહેશત નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. આ સંજોગોમાં, ઓક્ટોબરમાં આયોજિત ન્યૂ ઓર્લિન્સ જાઝ ફેસ્ટીવલ જાહેર થયાના થોડા દિવસોમાં જ રદ કરાયો હતો.સ્થાનિક નિષ્ણાતોના મતે આવતા મહિને કોરોનાના દર્દીઓનો મૃત્યુઆંક ટોચના સ્તરે પહોંચવાની અને પછી ઘટવાની ધારણા છે.