અમેરિકાના નાગરિકો પોતાનો પાસપોર્ટ સરળતાથી રિન્યૂ કરાવી શકે તે માટે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પાસપોર્ટને ઓનલાઇન રિન્યૂ કરવાની સુવિધા માટે એક પાયલોટ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. તેનાથી અમેરિકનો તેમના ઘરથી પાસપોર્ટ રિન્યૂ કરવા માટેની અરજી કરી શકશે. જોકે પ્રક્રિયા માટે ઘણી બધી આવશ્યકતાઓ છે અને તે હાલમાં તમામ માટે ઉપલબ્ધ નથી. આ ઉપરાંત દરરોજ કેટલી એપ્લિકેશન સ્વીકારવી તેની પણ એક મર્યાદા છે.

ટ્રાયલ પિરિયડ પૂરો થયા બાદ આગામી દિવસોમાં તમામ લોકો માટે ઓનલાઈન પાસપોર્ટ રિન્યૂઅલ પ્રોસેસ ઉપલબ્ધ બનાવાશે. હાલ જે લોકોને ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે તેઓ ઈસ્ટર્ન ટાઈમ ઝોન અનુસાર મિડડે અવર્સમાં પોતાની એપ્લિકેશન પ્રોસેસ કરી શકશે. ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના એક નિવેદનમાં જણાવાયું હતું કે ઓનલાઈન સિસ્ટમમાં કોઈ સુધારાની જરૂર છે કે નહીં તે ચેક કરવા માટે હાલ સિલેક્ટેડ લોકોની એપ્લિકેશન જ સ્વીકારાશે.

પોતાનો પાસપોર્ટ ઓનલાઈન રિન્યૂ કરાવવા માગતા હોય તેવા લોકો માટે જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તે અનુસાર જેમનો હાલનો પાસપોર્ટ એપ્લિકેશન ડેટના દિવસથી 15 વર્ષથી જૂનો ના હોય તે લોકો જ તેને ઓનલાઈન રિન્યૂ કરાવી શકશે. આ ઉપરાંત જૂનો પાસપોર્ટ એપ્લિકન્ટના કબજામાં હોય તે પણ જરૂરી છે, જો જૂનો પાસપોર્ટ ખોવાઈ કે ચોરાઈ ગયો હશે તો તેનું રિન્યૂઅલ ઓનલાઈન નહીં થઈ શકે. આ ઉપરાંત જેમને પોતાનું નામ, બર્થ ડેટ કે પછી પ્લેસ ચેન્જ કરાવવાના છે તે લોકો પણ પાસપોર્ટને ઓનલાઈન રિન્યૂ નહીં કરાવી શકે.

આ પ્રોસેસ માત્ર રેગ્યુલર ટુરિસ્ટ પાસપોર્ટ માટે જ છે, તેમજ જે લોકો અમેરિકા કે તેની ટેરીટરીમાં રહે છે તે જ લોકો તેનો લાભ ઉઠાવી શકશે, જેના માટેની ફી એપ્લિકન્ટને ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવવાની રહેશે અને ડિજિટલ ફોટો પણ અપલોડ કરવાનો રહેશે. હાલ જે લોકો ઓનલાઈન રિન્યૂઅલ માટે એલિજિબલ છે તેમનો બે મહિના સુધી કોઈ ઈન્ટરનેશનલ ટ્રાવેલનો પ્લાન ના હોય તે પણ જરૂરી છે, કારણકે નવો પાસપોર્ટ તાત્કાલિક ઈશ્યૂ નહીં થાય. આ પ્રોસેસની ફી રેગ્યુલર રિન્યૂઅલ પ્રોસેસ જેટલી જ મતલબ કે 130 ડોલર રાખવામાં આવી છે, રિન્યૂઅલ માટેની એપ્લિકેશન સબમિટ થતાં જૂનો પાસપોર્ટ કેન્સલ થઈ જશે અને નવો પાસપોર્ટ એપ્લિકેશન અપ્રુવ થયા બાદ મેઈલ દ્વારા મોકલી આપવામાં આવશે.

અમેરિકાની સિટીઝનશીપ ધરાવતા ઘણા ગુજરાતીઓને પોતાનો પાસપોર્ટ રિન્યૂ કરાવવા માટે યુએસ જવું પડતું હોય છે, જોકે ઓનલાઈન રિન્યૂઅલની સિસ્ટમ લાગુ થઈ ગયા બાદ પણ તેમને તેનો ફાયદો નહીં મળી શકે, કારણકે ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા આ અંગેના જે નિયમો હાલ જાહેર કરાયા છે તેમાં સ્પષ્ટ જણાવાયું છે કે અમેરિકામાં રહેતા હોય તેવા લોકો જ ઓનલાઈન એપ્લિકેશન કરી શકશે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments