અમેરિકા-કેનેડા બોર્ડર પર કાતિલ ઠંડીમાં થીજી જતા 19 જાન્યુઆરીએ મોતને ભેટેલા ચાર ભારતીય નાગરિકો ગુજરાતના એક પરિવારના સભ્યો હતા, એમ કેનેડાના લો એન્ફોર્સમેન્ટ પાસેથી મળેલી માહિતીને ટાંકીને ઓટ્ટાવા ખાતેના ઇન્ડિયન હાઇ કમિશને ગુરુવારે જણાવ્યું હતું.
દરમિયાન ગુજરાતના મીડિયાના અહેવાલમાં મૃતકોના પરિવારને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે મૃતદેહ ભારત પરત લાવવા કે કેનેડામાં જ અંતિમસંસ્કાર કરવા એ અંગે ચર્ચા ચાલી રહી હતી અને પરિવારે મૃતદેહ ભારત નહીં લાવવાનો નિર્ણય કર્યો હતો. પરિવારના સભ્ય મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારા જ પરિવારના જગદીશભાઈ અને તેમની પત્ની તથા 2 બાળકોના મૃતદેહ હોવાનું કન્ફર્મ થયું છે. તે અંગે અમારી અનેક લોકો સાથે ચર્ચા થઈ હતી અને અંતે અમે મૃતદેહ ભારત નહીં લાવવાનો નિર્ણય કર્યો છે. મૃતદેહના અંતિમસંસ્કાર કેનેડામાં જ કરવામાં આવશે. ડિંગુચા ગામની જ વ્યક્તિના જણાવ્યા અનુસાર, મૃતદેહ સંપૂર્ણ પણે થીજી ગયો છે, જેને કારણે શરીરમાં કંઈ રહ્યું નહોતું. ઉપરાંત એક મૃતદેહ ભારત પરત લાવવા અંદાજિત રૂ. 40 લાખ ખર્ચ થઈ શકે છે, એટલે 4 મૃતદેહ માટે રૂ. 1 કરોડ કરતાં વધુ રકમ થઈ શકે તેમ છે અને પરિવાર માધ્યમવર્ગીય છે. પરિવારની એમ્બેસી સાથે પણ ચર્ચા થઈ હતી, જે બાદ મૃતદેહ પરત નહીં લાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો.
હાઇ કમિશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટોરોન્ટોમાં ઇન્ડિયન કોન્સ્યુલેટની સ્પેશ્યલ ટીમ કેનેડાની એજન્સીઓની હાલની તપાસમાં મદદ કરવા અને મૃતકોના પરિવાર માટે માટે કોન્સ્યુલર સર્વિસ પૂરી પાડવા માનિટોબામાં મોકલવામાં આવી છે. માનિટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ અથવા આરસીએમપીએ મૃતકોને ઓળખ જાહેર કરી હતી, જે મુજબ 39 વર્ષના જગદીશ બળદેવભાઇ પટેલ, તેમના 37 વર્ષના પત્ની વૈશાલીબેન જગદીશકુમાર પટેલ, તેમની 11 વર્ષની પુત્રી વિહાંગી જગદીશકુમાર પટેલ અને ત્રણ વર્ષના પુત્ર ધાર્મિક જગદીશકુમાર પટેલનો સમાવેશ થાય છે.
હાઇ કમિશનને જણાવ્યું હતું કે ઓટોપ્સીમાં પુષ્ટી મળી છે કે તમામ ચારેયના મોત ઠંડીને કારણે થયા હતા. મૃતકોના નજીકના સંબંધીઓને માહિતી આપવામાં આવી છે અને કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા મૃતકોના પરિવારના સંપર્કમાં છે.
નિવેદનમાં જણાવાયું હતું કે આ દુઃખ ઘટનાથી ફોકસમાં આવેલા લાંબા ગાળાના મુદ્દા અંગે ભારત અને કેનેડા વચ્ચે સંખ્યાબંધ આઇડિયા અંગે ચર્ચાવિચારણા ચાલુ છે, જેથી માઇગ્રેશન અને મોબિલિટી સુરક્ષિત અને કાનૂની બને તથા આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય. બંને દેશો વચ્ચે સર્વગ્રાહી માઇગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશીપ એગ્રીમેન્ટની દરખાસ્ત કરવામાં આવી છે, જેથી ગેરકાયદેસર માઇગ્રેશનને ડામી શકાય.