ભારતમાં નાગરિકતા સુધારા કાયદા (CAA)ના અમલને આવકારતા અમેરિકા સ્થિત સંગઠન કોએલિશન ઓફ હિંદુઝ ઓફ નોર્થ અમેરિકા(CoHNA)એ જણાવ્યું હતું કે આ નિર્ણય પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાં અત્યાચારનો ભોગ બનેલા ધાર્મિક લઘુમતી સમાજના સભ્યોની ‘મોટી જીત’ છે.
CoHNAએ X પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં અત્યાચારનો ભોગ બનેલી ધાર્મિક લઘુમતીઓના માનવાધિકારની મોટી જીત. આખરે ભારતે નાગરિકતા સુધારા ધારા (CAA)ને નોટિફાઇ કર્યો છે.
સંગઠને જણાવ્યું હતું કે આ કાયદાથી કોઈપણ ધર્મના ભારતીય નાગરિકોને અસર થશે નહીં. તેનાથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છોડીને આવેલા 31,000 લઘુમતીઓ માટે ભારતની નાગરિકતા મેળવવાની પ્રક્રિયા ઝડપી બનશે. દાખલા તરીકે એકલા પાકિસ્તાનમાં દર વર્ષે લઘુમતી સમુદાયોની 1000થી વધુ સગીર છોકરીઓનું અપહરણ કરવામાં આવે છે, બળજબરીથી ધર્મપરિવર્તન કરવામાં આવે છે તથા પોલીસ અને ન્યાયિક સત્તાવાળાઓના સમર્થન સાથે તેમના અપહરણકર્તાઓ સાથે “લગ્ન” કરવામાં આવે છે. પરિણામે નાના બાળકો સાથેના ભયગ્રસ્ત પરિવારો મૂળભૂત સલામતી માટે ભારત ભાગી રહ્યા છે.”
સંગઠને જણાવ્યું હતું કે “ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે અમે યુએસ અને કેનેડાના રહેવાસીઓને પોતાને અને તેમની આસપાસના અન્ય લોકોને શિક્ષિત કરવા વિનંતી કરીએ છીએ.
નરેન્દ્ર મોદી સરકારે જાહેર કરેલા CAA નિયમોનો હેતુ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી સ્થળાંતર કરીને ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ ધર્મના લોકોને ભારતની નાગરિકતા આપવાનો છે.