અમેરિકાએ પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશને જણાવ્યું છે કે, અમે PIAને મંજૂરી આપતા આદેશમાં ફેરફાર કર્યો છે. PIA અમેરિકામાં ચાર્ટર્ડ ફ્લાઇટ્સનું સંચાલન કરી શકતી હતી, તે હવે પ્રતિબંધિત કરવામાં આવી છે.
અમેરિકાએ આ પગલું લેવા માટે પાકિસ્તાની પાયલટ્સના સર્ટિફિકેટ્સ અંગે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને (FAA) વ્યક્ત કરેલી ચિંતાનું કારણ દર્શાવ્યું છે. પાકિસ્તાને પોતાના ઘણા પાયલટ્સને મનાઇ ફરમાવી છે. ગત મહિને પાકિસ્તાને પોતાના ત્રીજા ભાગના પાયલટ્સને નકલી લાયસન્સને કારણે જોબમાંથી કાઢી મુકાયા હતા. યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સીએ પણ PIAની અધિકૃતતા રદ કરી છે.
આ મનાઇ છ મહિના માટે ફરમાવવામાં આવી છે.પાકિસ્તાનની જીયો ન્યૂઝે જણાવ્યું હતું કે, અમેરિકાએ મૂકેલા પ્રતિબંધની વાતને એરલાઈને સમર્થન આપ્યું હતું. PIA એ જણાવ્યું હતું કે, એરલાઇન્સ અંગે જે સુધારા જરૂરી છે તેના પર કામ કરવામાં આવશે.
પાકિસ્તાને જે પાયલટ્સે પોતાની લાયકાત અને લાયસન્સ અંગે ખોટી માહિતી આપી હતી તેમના અંગે તાજેતરમાં એક વિમાન દુર્ઘટના પછી તપાસ શરૂ કરી હતી. આ વર્ષે મે મહિનામાં એક PIA જેટ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને તેમાં 97 મુસાફરોના મૃત્યુ થયા હતા.