(Photo by Rafael Figueroa Medina/U.S. Navy via Getty Images)

લાલ સમુદ્રમાં યેમેનના હુતી આતંકીઓએ રવિવારે શિપિંગ કંપની મર્સ્કના એક કન્ટેનર શિપ પર હુમલો કર્યો હતો. અમેરિકાએ વળતો પ્રહાર કરીને આતંકીઓની ત્રણ બોટની દરિયામાં ડુબાડી દીધી હતી. તેમાં ઓછામાં ઓછા 10 આતંકીઓના મોત થયા હોવાનું બળવાખોરોએ સ્વીકાર્યું હતું. આ હુમલાને પગલે વિશ્વની સૌથી મોટી શિપિંગ કંપનીઓમાં સ્થાન ધરાવતી મર્સ્કે 48 કલાક માટે લાલ સમુદ્રની સામુદ્રધુનીમાંથી તેના જહાજોના અવરજવરને સ્થગિત કરવાની રવિવારે જાહેરાત કરી હતી.

યુએસ આર્મીએ રવિવારે જણાવ્યું હતું કે તેને લાલ સમુદ્રમાં કન્ટેનર જહાજ પર હુમલો કરતી ત્રણ બોટને ડૂબાડી દીધી હતી. સિંગાપોર-ધ્વજવાળા જહાજ મેર્સ્ક હાંગઝોઉના એસઓએસ કોલનો જવાબ આપતાં રવિવારે સવારે અમેરિકાના બે યુદ્ધ જહાજો યુએસએસ આઈઝનહોવર અને યુએસએસ ગ્રેવલીના હેલિકોપ્ટરોએ સ્વ-બચાવમાં “ઈરાની સમર્થિત હુથીની નાની નૌકાઓ” પર ગોળીબાર કર્યો હતો. યુ.એસ.ના હેલિકોપ્ટરે ત્રણ બોટને ડૂબાડી દીધી હતી, જેમાં તેમના ઘણા ક્રૂના મોત થયા હતા. ચોથી બોટ ભાગી ગઈ હતી.

મર્સ્કે અગાઉ 15 ડિસેમ્બરે તેના જહાજો પરના હુમલા બાદ 48 કલાક માટે આ સામુદ્રધુનીમાંથી તેના જહાજોની અવરજવરને સ્થગિત કરી હતી. અમેરિકાના ડિસ્ટ્રોયરે જહાજે યમનમાંથી છોડવામાં આવેલી એન્ટિ-શિપ મિસાઇલોને તોડી પાડી હતી.

રવિવાર મેર્સ્કનું હાંગઝોઉ કન્ટેનર જહાજ બાબ અલ-મંડબ સ્ટ્રેટમાંથી પસાર થતું હતું ત્યારે તેના પર મિસાઇલ હુમલો થયો હતો. આ સ્ટ્રેટને અરબીમાં “ગેટ ઓફ ટિયર્સ” તરીકે પણ ઓળખવામાં આવે છે. મિસાઇલ હુમલા પછી આ જહાજ પર હુતીના ચાર જહાજોએ પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાઓને પગલે કંપનીએ આગામી 48 કલાક સુધી આ અસરગ્રસ્ત માર્ગ પરથી તેના તમામ જહાજોની અવરજવર બંધ કરી છે.

ભારત મધ્યપૂર્વ, આફ્રિકા અને યુરોપના દેશો સાથેના વેપાર માટે બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ પર ખૂબ આધાર રાખે છે. વેપારી જહાજો પરના હુમલાને પગલે ભારતીય નૌકાદળએ અરબી સમુદ્રમાં સુરક્ષામાં વધારો કર્યો છે.

આ દરિયાઇ માર્ગમાંથી વિશ્વનો 12 ટકા વેપાર થાય છે અને વિશ્વના 30 ટકા જહાજો તેમાંથી પસાર થાય છે. 2023માં આ દરિયાઇ માર્ગના વિવિધ ડ્રોન હુમલાને પગલે જોખમમાં વધારો થયો છે. અબજો ડોલરનો વેપારી માલ અને પુરવઠો દર વર્ષે લાલ સમુદ્રમાંથી પસાર થાય છે. લાલ સમુદ્રમાંથી જોખમમાં વધારો થવાથી પેટ્રોલના ભાવ તથા ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સની ઉપલબ્ધતા અને વૈશ્વિક વેપારના અન્ય પાસાઓને અસર થઈ શકે છે.

હુમલાને ટાળવા માટે 15 ડિસેમ્બરથી મોટાભાગની મોટી શિપિંગ કંપનીઓએ લાલ સમુદ્ર અને સુએઝ કેનાલ દ્વારા યુરોપ સાથે વેપાર માટે બાબ અલ-મંડેબ સ્ટ્રેટનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે. આ માર્ગ બંધ થવાથી યુરોપ અને ભારત તથા સમગ્ર એશિયા વચ્ચેની મહત્ત્વપૂર્ણ વેપાર કડી તૂટી જાય છે.

યુરોપ જતા જહાજો હવે આફ્રિકાના તળિયે આવેલા કેપ ઓફ ગુડ હોપની આસપાસના લાંબા માર્ગે પર જવું પડશે. આ ફેરફારથી સફરના અંતરમાં 40% વધારો થાય છે. તેનાથી પરિવહનનો સમય અને ખર્ચ વધે છે.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે વેપાર તથા ક્રૂડ ઓઇલ અને LNGની આયાત માટે આ માર્ગ પર ભારત મોટાપાયે નિર્ભર છે. તેનાથી ભારત માટે ખર્ચ અને જોખમમાં વધારો થવાની શક્યતા છે. તેનાથી ભારત વેપારના રૂટમાં વૈવિધ્યીકરણ લાવવાના અને પ્રાદેશિક દરિયાઇ સુરક્ષા સહકારમાં વધારો કરવા માટેના પ્રયાસો કરી રહ્યું છે.

 

LEAVE A REPLY