ફાઇલ ફોટો REUTERS/Evelyn Hockstein

અમેરિકાના બાઇડન વહીવટીતંત્રે ઇઝરાયેલને નવા શસ્ત્રોના ઇમર્જન્સી વેચાણને મંજૂરી આપી હતી. ગાઝામાં મૃત્યુઆંકમાં વધારા વચ્ચે યુદ્ધવિરામની આંતરરાષ્ટ્રીય સ્તરે માગણી થઈ રહી હોવા છતાં અમેરિકા ઇઝરાયેલની સતત સમર્થન આપી રહ્યું છે.

બીજી તરફ ઇઝરાયેલની આર્મીએ હમાસના આતંકવાદી અડ્ડાને નષ્ટ કરવા માટે કરેલા ભીષણ હવાઇ હુમલામાં ઓછામાં ઓછા 200 લોકોના મોત થયા હતાં. ગાઝા પટ્ટીના ખાન યુનિસમાં હમાસની સુરંગો પર થયેલા પ્રચંડ બોમ્બમારામાં છેલ્લા 24 કલાકમાં 200 લોકોના મોત થયા હતા.

ગાઝાના દક્ષિણ વિસ્તારો તરફ આગળ વધી રહેલા ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) સૈનિકોએ હમાસની સુરંગો પર હવાઈ હુમલા કર્યા હતા અને તેની સાથે તોપમારો પણ કર્યો હતો.

શુક્રવારે રાત્રે ઇઝરાયેલી ટેન્કોએ ગાઝા પટ્ટીમાં ખાન યુનિસ પર ભીષણ ગોળીબાર અને બોંબવર્ષા કરી હતી. ઇઝરાયલ-હમાસના યુદ્ધના 82 દિવસમાં 21 હજારથી વધુ લોકોના મોત થયા છે. આનો અર્થ એ થયો કે ગાઝાની કુલ વસ્તીના લગભગ એક ટકા લોકોના મોત થયા છે. ખંડેર બનેલી ઇમારતોમાં વધુ હજારો મૃતદેહો દટાયા હોવાની આશંકા છે. યુદ્ધ દરમિયાન ગાઝાના 23 લાખ લોકો સુરક્ષિત આશ્રયસ્થાનની શોધમાં તેમના ઘર છોડીને ભાગી ગયા છે.

પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓ અને સાથી પત્રકારોના જણાવ્યા અનુસાર અલ-કુદ્સ ટીવી માટે કામ કરતા એક પેલેસ્ટિનિયન પત્રકારનું પણ મોત થયું હતું. આ હુમલો મધ્ય ગાઝા પટ્ટીમાં નુસિરત કેમ્પમાં એક ઘર પર થયો હતો. આ હવાઈ હુમલામાં પત્રકારના પરિવારના કેટલાક સભ્યોના પણ મોત થયા હતા. ગાઝાના સરકારી મીડિયા અનુસાર ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 106 પેલેસ્ટિનિયન પત્રકારો માર્યા ગયા છે.

LEAVE A REPLY