ભારતમાં અમેરિકાના નવનિયુક્ત રાજદૂત એરિક ગાર્સેટ્ટી બુધવારે મુંબઇમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (સીએમડી) મુકેશ અંબાણીને મળ્યા હતા. આ બેઠકમાં બંને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રિલાયન્સની નવીનતાઓ અને યુએસ-ભારત સાથે મળીને વધુ આર્થિક સહયોગ માટેના રસ્તાઓ અંગે ચર્ચાવિચારણા કરી હતી.
યુએસ એમ્બેસેડર એરિક ગાર્સેટ્ટીએ ટ્વિટ કર્યું હતું કે, “રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રિલાયન્સની નવીનતાઓ વિશે જાણવા અને યુએસ-ભારત સાથે મળીને વધુ આર્થિક સહયોગ માટેના રસ્તાઓ શોધવા માટે મુકેશ અંબાણી સાથેની શાનદાર મુલાકાત.” અગાઉ ગાર્સેટ્ટીએ મુંબઈમાં તાજેતરમાં અનાવરણ કરાયેલ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેઓ બ્રોડવે નાટક ધ સાઉન્ડ ઓફ મ્યુઝિકના કલાકારોને મળ્યા હતા.
તેમણે ટ્વિટર પર NMACCની તસવીરો શેર કરી હતી. રાજદૂતે તેમની મુંબઈ મુલાકાતના પ્રથમ દિવસે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે સાથે પણ મુલાકાત કરી હતી અને બિઝનેસની સહિયારી વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ, ક્લાઇમેટ એક્શન અને મહિલાઓના કાર્યસ્થળના સમાવેશ વિશે ચર્ચા કરી હતી.