ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકન એમ્બેસી પર હુમલો થયો હોવાની ઔપચારિક જાહેરાત કરાઇ હતી.મોસ્ટ સિક્યોર્ડ ગણાતા રાજદૂતાવાસ વિસ્તારમાં ત્રણ રૉકેટ દ્વારા હુમલો થયો હતો. હુમલો થયા બાદ સમગ્ર વિસ્તારમાં ભયસૂચક સાઇરન ગૂંજી ઊઠી હતી. જો કે કોઇ જાનહાનિ થયાના સમાચાર મળ્યા નહોતા. અમેરિકાએ આ હુમલા માટે ઇરાનને જવાબદાર ગણાવ્યું હતું.
છેલ્લા થોડા દિવસથી ખાસ કરીને અમેરિકાએ બગદાદ એરપોર્ટ પર હવાઇ હુમલો કરીને ઇરાનના વગદાર લશ્કરી અધિકારી કાસિમ સુલેમાનીની હત્યા કરી તે દિવસથી સતત અમેરિકા અને ઇરાન વચ્ચે શાબ્દિક અને શાસ્ત્રીય હુમલા વધ્યા હતા. આઠમી જાન્યુઆરીએ ઇરાને મિસાઇલ હુમલો કરતાં 11 અમેરિકી સૈનિકો અને અધિકારીઓ ઇજા પામ્યા હોવાનો દાવો કરાયો હતો.
જો કે અમેરિકાએ 11 જણ ઇજા પામ્યા હોવાના ઇરાનના દાવાને નકારી કાઢ્યો હતો.અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા કેપ્ટન બિલ અર્બને કહ્યું હતું કે અલ અસદ એરપોર્ટ પર ઇરાને કરેલા હુમલાથી કોઇ જાનહાનિ થઇ નથી પરંતુ જેમને ઇજા થઇ હતી તેમને તત્કાળ પૂરતી સારવાર આપવામાં આવી હતી.