ભારતમાં અમેરિકન એમ્બેસીએ પોતાની વેબસાઇટ અને ટ્વીટર પર હેલ્થ એલર્ટમાં જણાવ્યું છે કે, ભારતમાં કોવિડ-19ના વધતા કેસના કારણે મેડિકલ સુવિધાઓ ગંભીર રીતે મર્યાદિત થઇ રહી છે. આથી યુએસ ડિપાર્ટમેન્ટે ટ્રાવેલ એડવાઇઝરી ઇસ્યુ કરીને ભારત ન જવા જણાવ્યું છે. સાથે જ જે લોકો ભારતમાં છે તેઓ જેટલું ઝડપથી બને તેટલું ભારતમાંથી બહાર નીકળી જાય. અમેરિકન નાગરિકોને જણાવવામાં આવ્યું છે કે, આ સમયે ભારતમાંથી બહાર નીકળી જવું તેમના માટે સુરક્ષિત છે, કારણ કે, ત્યાં તમામ પ્રકારની મેડિકલ સુવિધાઓ મર્યાદિત થઇ ચૂકી છે. ભારતમાં તાજેતરમાં ત્રણ લાખથી વધુ કોરોનાના કેસ બહાર આવતા લોકોને હોસ્પિટલમાં દાખલ થવામાં મુશ્કેલી પડી રહી છે.
ધ યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC) ભારત અંગે ચોથા સ્તરની ટ્રાવેલ એડવાઇઝરી ઇસ્યુ કરી છે, જેને વિદેશ વિભાગ દ્વારા સૌથી ઉચ્ચ કક્ષાની માનવામાં આવે છે. વિદેશ વિભાગે ભારતીય મિશનમાં અમેરિકાના સરકારી કર્મચારીઓના પરિવારના સભ્યોને સ્વૈચ્છિક નીકળવાની મંજૂરી આપી છે. વિભાગ દ્વારા જણાવાયું છે કે, ભારતમાંથી બહાર નીકળવાની ઇચ્છા ધરાવતા અમેરિકાના નાગરિકોને અત્યારે ઉપલબ્ધ કોમર્શિયલ વિકલ્પોનો ઉપયોગ કરવો જોઇએ. અમેરિકા સુધી આવનારી ફલાઇટ્સ અને પેરિસ તથા ફ્રેંકફર્ટ થઇને આવનારી ફલાઇટ્સ ઉપલબ્ધ છે.
આ સાથે જ યુએસ એમ્બેસીએ ભારતમાં આપેલ હેલ્થ એલર્ટમાં જણાવ્યું હતું કે, ભારતમાં કોવિડ-19ના કેસ વધતા અમે અમેરિકન નાગરિકોને અનુરોધ કરીએ છીએ કે, તેઓ step.state.gov વેબસાઇટ પર step (સ્માર્ટ ટ્રાવેલર એનરોલમેન્ટ પ્રોગ્રામ)માં પોતાની નોંધણી કરાવે. જેથી એમ્બેસી ભારતમાં આરોગ્ય અને સુરક્ષા સંબંધિત માહિતી મેળવી શકે. સાથે જ અમેરિકન નાગરિકોને ભારતના આરોગ્ય મંત્રાલયની વેબસાઇટની મુલાકાત લઇને ટ્રાવેલ પ્રતિબંધો અંગેની માહિતી મેળવવા જણાવાયું છે.
એમ્બેસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, કોવિડ-19ના નવા કેસ અને મૃત્યુના આંકડા ભારતમાં રેકોર્ડ સ્તરે ઝડપથી વધી રહ્યા છે. ઘણી જગ્યાએ ટેસ્ટિંગની વ્યવસ્થા નબળી છે. હોસ્પિટલ્સમાં જગ્યાના અભાવે ઘણા શહેરોમાં અમેરિકન નાગરિકોને દાખલ કરવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે.