અમેરિકાએ ભારત અને પાકિસ્તાન માટે લેવલ ટુ અને થ્રી ટ્રાવેલ એડવાઇઝરી જારી કરીને જણાવ્યું છે કે અમેરિકાના નાગરિકોને ત્રાસવાદ અને વંશિય હિંસાને કારણે પાકિસ્તાનના પ્રવાસની પુનઃવિચારણા કરવી જોઇએ. ભારતનો પ્રવાસ કરતાં નાગરિકોએ ગુના અને ત્રાસવાદને કારણે સાવધ રહેવું જોઇએ.
ભારત માટે સોમવારે જારી કરાયેલી એડવાઇઝરીમાં અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું હતું કે અમેરિકાના નાગરિકોએ ત્રાસવાદ અને હિંસાને કારણે જમ્મુ કશ્મીરનો પ્રવાસ ન કરવો જોઇએ. આ ઉપરાંત શસસ્ત્ર સંઘર્ષની શક્યતાને કારણે ભારત-પાકિસ્તાન બોર્ડરના 10 કિમી સુધીના વિસ્તારમાં ન જવું જોઇએ.
એડવાઇઝરીમાં જણાવાયું છે કે ભારતના સત્તાવાળાના રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતમાં રેપનો સૌથી ઝડપથી વધતા ગુનામાં સમાવેશ થાય છે. પ્રવાસન સ્થળો અને બીજા સ્થળો પર જાતિય હુમલો જેવા હિંસક ગુના બન્યાં છે.
અમેરિકાનીી સરકાર પૂર્વ મહારાષ્ટ્ર અને ઉત્તર તેલંગણાથી પશ્ચિમ બંગાળના ગ્રામીણ વિસ્તારોમાં અમેરિકાના નાગરિકોને ઇમર્જન્સી સર્વિસ પૂરી પાડવાની મર્યાદિત ક્ષમતા ધરાવે છે, કારણ કે અમેરિકી સરકારના કર્મચારીઓએ આ વિસ્તારમાં જવા માટે ખાસ પરમિશન લેવી પડે છે.
પાકિસ્તાન માટેની એડવાઇઝરીમાં જણાવાયું છે કે ત્રાસવાદ અને અપહરણને કારણે અમેરિકાના નાગરિકોએ બલુચિસ્તાન પ્રાંત અને ખૈબર પખ્તુન્ખવા પ્રાંતમાં મુસાફરી ન કરવી જોઇએ.