અમેરિકાએ દક્ષિણ એશિયાના ત્રણ દેશો માટેની તેની ટ્રાવેલ એડવાઇઝરીને અપડેટ કરીને સલાહ આપી હતી કે તેના નાગરિકોએ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પ્રવાસની પુનવિચારણા કરવી જોઇએ અને અફધાનિસ્તાનનો પ્રવાસ ન કરવો જોઇએ. વિદેશ વિભાગે સોમવારે આ ત્રણ દેશો માટે અલગ ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી હતી.
એડવાઇઝરીમાં સલાહ આપવામાં આવી હતી કે કોવિડ-19, ત્રાસવાદ અને વંશિય હિંસાને કારણે પાકિસ્તાનના પ્રવાસની ફરી વિચારણા કરો. ત્રાસવાદ અને કિડનેપિંગને કારણે નાગરિકોએ બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની મુલાકાલ ન લેવી જોઇએ.
એડવાઇઝરીમાં ત્રાસવાદ અને લશ્કરી દળો વચ્ચે સંભવિત અથડામણને કારણે અંકુશરેખાની નજીક ન જવાની પણ તેના નાગરિકોને સલાહ આપી છે. ભારત-પાકિસ્તાન બોર્ડરનો પ્રવાસ ન કરશો. આ વિસ્તારમાં ત્રાસવાદી સંગઠનો સક્રિય છે. ભારત અને પાકિસ્તાન સરહદની બંને બાજુ મોટી સંખ્યામાં જવાનો રાખે છે. ભારત અને પાકિસ્તાનની લશ્કર વારંવાર એકબીજા સામે ફાયરિંગ કરે છે.
બાંગ્લાદેશનના પ્રવાસની ફરી વિચારણા કરવાની સલાહ આપતા એડવાઇઝરીમાં જણાવાયું હતું કે ગુનાખોરી, ત્રાસવાદ અને કિડનેપિંગને કારણે આ દેશમાં વધુ સાવધાની રાખવી જોઇએ.