અમેરિકામાં કોરોનાનો મૃત્યુઆંક સોમવારે 500,000ના આંકને વટાવી ગયો હતો. આ મૃત્યુઆંક પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ તથા વિયેતનામ વોરમાં થયેલી કુલ જાનહાની કરતાં વધુ છે. પ્રેસિડન્ટ જો બાઇડનના વડપણ હેઠળ અમેરિકાના લોકોએ સોમવારે એક મિનિટનું મૌન પાડીને મૃતકોને શ્રદ્ધાંજલી આપી હતી. આ પ્રસંગે લાગણીસભર સંબોધનમાં બાઇડનને મહામારી સામેની લડતમાં મતભેદ ભૂલી જવાની અપીલ કરી હતી.
વિશ્વમાં કોરોનાથી થયેલા કુલમાંથી 19 ટકા મોત અમેરિકામાં થયા છે. આની સામે વિશ્વની કુલ વસતીમાંથી માત્ર ચાર ટકા વસતી અમેરિકામાં છે.
પ્રેસિડન્ટ જો બાઇડનને જણાવ્યું હતું કે એક રાષ્ટ્ર તરીકે આપણે આવા ઘાતકી ભાવિનો સ્વીકાર કરી શકીએ નહીં. આપણે આ મહામારી સામે લાંબો સમયથી લડી રહ્યાં છીએ. આ દુઃખદ સિમાચિહ્ન પ્રસંગે વ્હાઇટ હાઉસમાં યોજાયેલી કેન્ડલ લાઇટ સેરેમનીમાં બાઇડને જણાવ્યું હતું કે આજે આપણે મોતના દુઃખદ હાર્ટબ્રેકિંગ માઇલસ્ટોન 500,071ને વટાવ્યો છે. અમેરિકામાં કોરોના કેસ આશરે 28.1 મિલિયન છે, જે પણ એક વૈશ્વિક રેકોર્ડ છે.
વ્હાઇટ હાઉસની બહાર 500 મીણબત્તી પ્રગટાવીને સાંજે 6.15 કલાકે એક મિનિટ માટે મૌન પાડવામાં આવ્યું હતું, જેમા બાઇડનને ભાગ લીધો હતો. તેમની સાથે ફર્સ્ટ લેડી જિલ બાઇડન, વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસ અને સેકન્ડ જેન્ટલમેન ડફ એમ્હોફે પણ મૌન પાડ્યું હતું.
મહામારીમાં ઘણા લોકોના જીવ ગયા હોવાનો ઉલ્લેખ કરતાં બાઇડનને જણાવ્યું હતું કે મહામારીથી ડેમોક્રેટ્સ કે રિપબ્લિકન્સના મોત થઈ રહ્યાં નથી, પરંતુ અમેરિકન નાગરિકોના મોત થઈ રહ્યાં છે.
અમેરિકામાં 500,071 મોતના આંકડોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે આ મહામારીમાં એક વર્ષમાં જીવ ગુમાવનારા લોકોની આ સંખ્યા પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ તથા વિયેતનામ વોરના કુલ મૃત્યુઆંક કરતાં વધુ છે.
મીડિયા અહેવાલ મુજબ બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાના 405,000 લોકો, વિયેતનામ વોરમાં 58,000 લોકો અને કોરિયન વોરમાં 36,000 લોકોના મોત થયા હોવાનો અંદાજ છે.