ટાટા ગ્રૂપની એરલાઇન એર ઇન્ડિયાની ફ્લાઇટ્સમાં પુરુષ મુસાફરો દ્વારા સહપ્રવાસી મહિલા પર પેશાબ કરવાની બે ઘટનાઓ બહાર આવ્યા પછી નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની નિયમનકારી સંસ્થા એવિએશન રેગ્યુલેટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ શુક્રવારે તમામ શિડ્યુલ્ડ એરલાઇન્સ માટે એક એડવાઇઝરી જારી કરી હતી અને ઉપદ્વવી મુસાફરોને કાબુમાં લેવા માટે જરૂર પડે તો કાબુમાં લેવાના હથિયારોનો પણ ઉપયોગ કરવાની તાકીદ કરી હતી.
તમામ એરલાઇન્સને પોતાના કર્મચારીઓને અનિયંત્રિત મુસાફરો અંકુશમાં લાવવા માટે વધુ સંવેદનશીલ બનાવાની તાકીદ કરી છે. આ એડવાઇઝરીમાં પાઇલટ, કેબિન ક્રૂ અને ઇન-ફ્લાઇટ સર્વિસના ડાયરેક્ટર્સની જવાબદારીઓ પર ભાર મૂકાયો છે અને સૂચન કર્યું છે કે અનિયંત્રિત મુસાફરોના કિસ્સામાં જ્યારે તમામ સમાધાનકારી અભિગમો સમાપ્ત થઈ ગયા હોય ત્યારે રિસ્ટ્રેઇનિંગ ડિવાઇસિસનો ઉપયોગ કરવો જોઈએ.
નિયમનકારી સંસ્થાએ જણાવ્યું હતું કે આવી અપ્રિય ઘટનાઓ પ્રત્યે એરલાઇન્સની અયોગ્ય કાર્યવાહીથી સમાજના વિવિધ વર્ગોમાં હવાઈ મુસાફરીની છબી ખરડાઈ છે અને નિયમ પાલનમાં બેદરકારીના કિસ્સામાં કડક કાર્યવાહી કરશે અને એન્ફોર્સમેન્ટ કાર્યવાહીને થઈ શકે છે. તાજેતરના ભૂતકાળમાં વિમાનમાં મુસાફરો દ્વારા અનિયંત્રિત વર્તનની કેટલીક ઘટનાઓની નોંધ લેવામાં આવી છે. તેમાં જોવામાં આવ્યું છે કે પોસ્ટહોલ્ડર્સ, પાઇલોટ્સ અને કેબિન ક્રૂ સભ્યો યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ ગયા છે. ફ્લાઇટ્સના હેડ ઓફ ઓપરેશન સલાહ આપવામાં આવે છે કે તેઓ ઉપદ્વવી મુસાફરોને કાબુમાં લેવા માટે તેમના પાઇલોટ્સ, કેબિન ક્રુ અને ડાયરેક્ટર ઇન ફ્લાઇટસને સંવેદનશીલ બનાવે.
ડીજીસીએએ જણાવ્યું હતું કે પાઇલોટ મુસાફરો અને માલસામાનની સલામતી માટે જવાબદાર છે. ફ્લાઇટ્સ દરમિયાન વિમાનના ઓપરેશન્સ અને સુરક્ષા ઉપરાંત શિસ્તની જાળવણી તથા ક્રુ મેમ્બરની સુરક્ષાની જવાબદારી પણ પાઇલોટ્સના શિરે છે. જો કેબિન ક્રુ આવી સ્થિતિનો ઉકેલ ન લાવી શકે તો સ્થિતિથી ઝડપથી ચકાસણી કરવાની જવાબદારી પાઇલોટ્સની છે અને આ માહિતી ગ્રાઉન્ડ પરના એરલાઇનના સેન્ટ્રલ કંટ્રોલ પર આપવાની રહેશે. ફ્લાઇટ્સના ઉતરાણ બાદ એરલાઇનના પ્રતિનિધિઓએ એફઆઈઆર દાખલ કરીને સંબંધિત મુસાફરને તેને સોંપવાનો રહેશે.