ઇસ્ટ લંડનના ન્યુહામ વિસ્તારમાં વસતા સેંકડો હિન્દુ પરિવારો અને ખાસ કરીના વયસ્ક લોકો અપ્ટોન કોમ્યુનિટી સેન્ટરને કાઉન્સિલ દ્વારા બંધ કરી તેનું ડીમોલીશન કરી દેવાયા બાદ સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તીઓના અભાવે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક વિસ્તારના હિન્દુઓમાં એક મત એવો પ્રવર્તી રહ્યો છે કે તેઓ લઘુમતીમાં હોવાથી અને તોફાન મચાવીને પણ પોતાની માંગ મંજૂર કરાવતા ન હોવાથી તેમની સાથે અન્યાય થઇ રહ્યો છે અને તેમની ધાર્મિક અને સાસ્કૃતિક પ્રવૃત્તીઓથી તેમને વિમુખ કરવામાં આવી રહ્યા છે. ન્યુહામ વિસ્તારના લઘુમતી હિન્દુઓની હાલત એવી થઇ છે કે તેમનો અવાજ સાંભળવા કોઇ તૈયાર નથી.
અપ્ટોન કોમ્યુનિટી એસોસિએશના પ્રમુખ શ્રી પ્રકાશભાઇ કોઠારીએ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે ‘’સ્થાનિક વિસ્તારના હિન્દુ સમુદાય અને વિશ્વ હિન્દુ પરિષદની રજૂઆત સાંભળીને 1982માં કાઉન્સિલ અને શિક્ષણ વિભાગ દ્વારા એક શાળાનું મકાન અપ્ટોન કોમ્યુનિટી એસોસિએશનને આપવામાં આવ્યું હતું. 10 જેટલા ક્લાસરૂમ, કોન્ફરન્સ હોલ અને એસેમ્બલી હોલ ધરાવતા આ બિલ્ડીંગનો જુદી જુદી જ્ઞાતિ અને સમાજની બનેલી આશરે 22 જેટલી સંસ્થાઓ દ્વારા વિવિધ ધાર્મિક અને સાસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટે ઉપયોગ થતો હતો. આ સેન્ટરમાં દર વર્ષે દીવાળી, હોળી, નવરાત્રી દુર્ગાપૂજા અને અન્ય કાર્યક્રમોનું ધામધૂમપૂર્વક આયોજન થતું હતું. સેન્ટર સમુદાયના વિવિધ વર્ગના લોકો માટે જાણે કે બીજુ એક ઘર બની ગયું હતું. યોગા ક્લાસ, ગુજરાતી શાળાના વર્ગો, ધાર્મિક અને સાસ્કૃતિક પ્રવૃત્તીઓ, ડે કેર સેન્ટર અને લાયબ્રેરીના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા.’’
‘’1995 સુધી બધુ બરોબર ચાલ્યું હતું પરંતુ આર્થિક તકલીફો શરૂ થતા કાઉન્સિલે સેન્ટર વાપરતા વિવિધ સમાજના લોકો પાસેથી રાહત દરે ચાર્જ લેવાનું શરૂ કર્યું હતું. કાઉન્સિલ દ્વારા કેર ટેકર અને અન્ય સ્ટાફના પગાર કરવામાં વાંધાઓ લેવાનું શરૂ કરી કાઉન્સિલે અપ્ટોન કોમ્યુનિટી એસોસિએશનના અગ્રણીઓને સેન્ટરને ટેકઓવર કરવા માટે જણાવ્યું હતું. સેન્ટરના નેતાઓએ લાગલગાટ 3 વર્ષ સુધી સેન્ટરના મકાનના લીઝ અને અન્ય બાબતે વાટાઘાટો કરી હતી. પરંતુ તે પછી કાઉન્સિલ પોતાના નિર્ણયમાંથી ફરી ગઇ હતી અને મેઇન્ટેનન્સ આપવાનું બંધ કર્યું હતું. ડીસેમ્બર 2014માં સેન્ટરની હીટીંગ સીસ્ટમ (બોઇલર) બગડી જતા તે રીપેર થાય તેમ નથી તેમ કહીને કાઉન્સિલે સેન્ટર બંધ કરી દીધું હતું.’’
એસોસિએશનના નરેન્દ્રભાઇ રાવે દાવો કર્યો હતો કે ‘’અમારૂ માનવું છે કે લો ઇન્કમ લોકોના હાઉસિંગ ફ્લેટ બનાવવા માટે કાઉન્સિલે સેન્ટરને રન ડાઉન કરી દીધું હતું. કાઉન્સિલ આ અંગે ચર્ચા પણ કરવા માંગતી ન હતી અને 2016માં સેન્ટરનું ડિમોલીશન પણ કરી દીધું હતું. 2019માં કાઉન્સિલે એક પ્લાન મંજૂર કર્યો હતો જેમાં નીચે કોમ્યુનિટી સેન્ટર, નર્સરી અને ઉપરના ભાગે ફ્લેટ બાંધવાનું આયોજન હતું. પરંતુ તે પણ પડી ભાંગ્યું હતું. 2020માં યોગ્ય કન્સલ્ટેશન કર્યા વગર એ પ્લાન અભરાઇ પર ચઢાવી દેવાયો હતો અને હવે કાઉન્સિલે કોઇ જ કોમ્યુનિટી સેન્ટર વગર પાંચ માળનો એપાર્ટમેન્ટ બ્લોક બનાવવાનું નક્કી કર્યું છે.’’
‘’સેન્ટરના ડિમોલીશન પછી 6-7 ગૃપને નાની એવી જગ્યાઓ તેમની પ્રવૃત્તિ કરવા ફાળવી છે પરંતુ પહેલા જે રીતે વિશાળ પાયે પરિવારની જેમ વિવિધ ધાર્મિક અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓ થતી હતી તે હવે શક્ય બને તેમ નથી. ન્યુહામ વિસ્તારના આશરે 8,000 જેટલા હિન્દુઓની તમામ પ્રવૃત્તિ વેરવિખર થઇ ગઇ છે. લોકો આઇસોલેટ થઇ ગયા છે અને મોટાભાગના લોકો હવે પ્રવૃત્તિના અભાવે નાના સેન્ટરો પર આવતા બંધ થયા છે.‘’
શ્રી રાવે જણાવ્યું હતું કે ‘’હિન્દુઓની તમામ ધાર્મિક અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓમાં માંસાહાર અને આલ્કોહોલને કોઇ સ્થાન ન હોવાથી હિન્દુઓએ કોઇ કોમર્શીયલ સ્થળે આવી પ્રવૃત્તિઓ કરવી હોય ત્યારે મુશ્કેલી થાય છે. આ ઉપરાંત ઉંચા ભાડા ભરવાની સમસ્યા પણ છે. હિન્દુ ફેઇથ માટે હવે ન્યુહામ વિસ્તારમાં કોઇ એવી જગ્યા રહી નથી. કાઉન્સિલનું તંત્ર સેન્ટર અને હિન્દુ સમુદાય માટે એટલું બધુ ઉદાસીન હતું કે ડિમોલીશન વખતે કાઉન્સિલે અનએથિકલ મુવ તરીકે સંસ્થાની લાયબ્રેરીના £8,000ના મુલ્યના ધાર્મિક, સાંસ્કૃતિક અને બાળકોને ઉપયોગી એવા પુસ્તકોને જો તાત્કાલિક ખસેડવામં નહિં આવે તો તેને રીસાયકલમાં ફેંકી દેવામાં આવશે તેવી ધમકી આપી હતી. જેથી આ પુસ્તકોને તાકીદે VHP ઇલ્ફર્ડ મંદિર નજીકના હોલમાં ખસેડવા પડ્યા હતા.’’
અપ્ટોન સેન્ટરના અગ્રણીઓએ સ્થાનિક મેયર સમક્ષ રજૂઆત કરવા માટે સમયની માંગણી કરી છે અને તેમને આશા છે કે ટૂંક સમયમાં તેમની રજૂઆત સાંભળવા માટે સમયની ફાળવણી કરવામાં આવશે.
ન્યુહામ કાઉન્સિલના પ્રવક્તાએ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે “ન્યુહામને નવા પરવડે તેવા ઘરોની, ખાસ કરીને પરિવારો માટે યોગ્ય ઘરોની જબરજસ્ત જરૂર છે. બાળકો માટે નર્સરીની પણ આ વિસ્તારમાં જરૂર છે. આ પ્રોજેક્ટના તમામ 65 નવા ઘરો લંડન એફોર્ડેબલ રેન્ટ પર આપવામાં આવશે. નવી નર્સરી પ્લાસ્ટો નોર્થમાં નર્સરી સ્થાનોની અછતને દૂર કરશે, જેમાં બરોની સરેરાશ જોગવાઈના અડધાથી ઓછી જગ્યાઓ છે. કાઉન્સિલે પ્રોજેક્ટ માટે આ વિસ્તારના રહેવાસીઓ અને સમુદાયના જૂથો સાથે નોંધપાત્ર પરામર્શ હાથ ધર્યો છે, અને 2014માં અપ્ટોન સેન્ટર બંધ થયા પછી તેનો ઉપયોગ કરનારા મોટાભાગનાં જૂથો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં સક્રિય છે.
ન્યુહામ કાઉન્સિલના હાઉસિંગ વિભાગના ડિરેક્ટર ડેરેન લેવીએ જણાવ્યું હતું કે “આ પ્રોજેક્ટ 65 એફોર્ડેબલ હોમ અને વધુ જરૂરી નર્સરીની જગ્યાઓ આપશે. જે બતાવે છે કે કાઉન્સિલ લોકોની પ્રાથમિકતાઓ માટે કામ કરે છે. અમને વિશ્વાસ છે કે પ્લાસ્ટો સ્ટેશનની બાજુમાં આવેલી અને જૂના અપ્ટોન સેન્ટરથી માત્ર 13 મિનિટ વૉકના અંતરે વેલી વેલેટ્ટા ગ્રોવ ખાતે નવી જગ્યા સમુદાય દ્વારા આવકારવામાં આવશે અને તેનો ઉપયોગ કરવામાં આવશે. કાઉન્સિલ તમામ સમુદાયના જૂથોને તેમની જરૂરિયાતો વિશે સાંભળવાની અને તેમની સાથે સંલગ્ન રહેવાનું ચાલુ રાખશે, અને ખાતરી કરશે કે કરવામાં આવેલી જોગવાઈ બધાના ફાયદા માટે ઘડવામાં આવી હોય.’’