નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડની એક એપરલ કંપનીએ શૂઝમાં ભગવાન ગણેશનું ચિત્ર રજૂ કરતાં હિન્દુઓમાં નારાજગી વ્યાપી છે, લોકોએ કંપની પાસેથી માફીની માગણી પણ કરી છે. હિન્દુઓએ ઇર્ટન હોમરૂક (નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડ) સ્થિત યુટોપિક બ્રાંડને ભગવાન ગણેશના ચિત્ર સાથેના શૂઝ તાત્કાલિક માર્કેટમાંથી પાછા ખેંચવા જણાવ્યું છે.
અમેરિકાના નેવાડામાં હિન્દુ સમાજના અગ્રણી રાજન ઝેડે જણાવ્યું છે કે, હિન્દુત્વમાં ભગવાનનું સ્થાન મંદિર કે ઘરમાં હોય છે, કોઇના પગમાં નહીં. હિન્દુઓના ભગવાનના ચિહ્નો, પરિકલ્પનાનો કોમર્શિયલ ઉપયોગ થાય તે યોગ્ય નથી, તેનાથી હિન્દુઓની લાગણી દુભાય છે.
યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઇઝમના પ્રેસિડેન્ટ રાજન ઝેડે યુટોપિકને કાયદેસર માફી માગવા અને ઓનલાઇન સ્ટોરમાંથી ગણેશનું ચિત્ર ધરાવતા શૂઝ પાછા ખેંચી લેવા જણાવ્યું છે. હિન્દુત્વ વિશ્વનો સૌથી જુનો અને વિશ્વનો ત્રીજા ક્રમનો સૌથી મોટો ધર્મ છે. કોઇ પણ ધર્મના ચિહ્નો સાથે આવું ગેરવર્તન થવું જોઇએ નહીં.
યુટોપિક તેના કપડા, એક્સેસરીઝ અને હોમ ડેકોરની વસ્તુઓ પર અનોખા પ્રકારની ડિઝાઇન માટે જાણીતી છે, એલેક્સ ટૂથ યુટોપિકના સહસ્થાપક અને ડિઝાઇનર છે. ગણેશનું ચિત્ર ધરાવતા શૂઝની કિંમત 89 ડોલર છે. હિન્દુઓ દ્વારા કોઇપણ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરાય છે, ગણેશજી વિઘ્નહર્તા દેવ પણ ગણાય છે.