ભારતીય લોકશાહી ખતરામાં છે તેવા લંડનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર ભારતની સંસદમાં મંગળવારે સતત બીજા દિવસે હોબાળો થયો હતો. વિદેશમાં ભારતની છબી ખરાબ કરવા માટે ભાજપે રાહુલ ગાંધીની માફીની માગણી કરી હતી.
બન્ને ગૃહો શોરબકોર અને ધાંધલધમાલની થઈ હતી. કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ, પ્રહલાદ જોશી સહિતના કેન્દ્રીય પ્રધાનોએ રાહુલ ગાંધીની ટીકા કરી હતી અને તેમની પાસેથી માફીની માગણી કરી હતી. બીજી બાજુ કોંગ્રેસે તેને નકારી દીધી હતી અને અદાણી હિન્ડનબર્ગે મુદે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની રચનાની માગણી કરી હતી.
સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો સોમવારથી પ્રારંભ થયો હતો. સત્તારૂઢ અને વિપક્ષોના સભ્યોના શોરબકોર અને ધાંધલધમાલથી સંસદના બન્ને ગૃહોની કામગીરી અવરોધાઇ હતી. લોકસભામાં અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે ભારતની લોકશાહી મજબૂત છે અને તે વધુ મજબૂત થઇ રહી છે. ગૃહને યોગ્ય રીતે ચાલવો દો. તમામને તક અપાશે. સુત્રોચ્ચાર સારા નથી. આ દેશના લોકોને અમારી લોકશાહીમાં દ્રઢ વિશ્વાસ છે. અહીંની મુલાકાતે આવતાં વિદેશી સાંસદો અને અન્ય મહાનુભાવો પણ તેને સ્વીકારે છે.
મલ્લિકાર્જુન ખડગેએ સંસદથી વિજય ચોક સુધી વિરોધ કૂચ કરી હતી. તેમની સાથે બીઆરએસ, ડાબેરી પક્ષો અને આપના સાંસદો પણ જોડાયા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે દેશમાં કાયદાનું શાસન નથી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને એક ‘તાનાશાહ’ની જેમ ચલાવી રહ્યા છે.