ઉત્તરપ્રદેશ વિધાનસભાની નજીક 35 વર્ષીય મહિલાએ મંગળવારે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો અને મહિલાને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. આ મહિલાની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.
આ મહિલા ઉત્તરપ્રદેશના મહારાજગંજ જિલ્લાની હતી અને તેનું નામ અંજલી તિવારી હતું, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સેન્ટ્રલ) સોમેન બર્માએ જણાવ્યું હતું કે મહારાજગંજ જિલ્લાની આ મહિલા ઓટો રિક્ષામાં લખનૌ આવી હતી અને પોતાના પર જ્વલનશીલ પ્રવાહી રેડ્યું હતું અને પોતાને આગ લગાવી હતી.
આ મહિલાએ દાવો કર્યો હતો કે તેના લગ્ન અખિલેશ તિવારી સાથે થયા હતા, બાદમાં ડિવોર્સ લઇ લીધા અને આસીફ નામના યુવક સાથે ફરી લગ્ન કર્યા અને ધર્મ પરિવર્તન કર્યુ હતું. આસિફ બાદમાં સાઉદી અરેબિયા જતો રહ્યો. આસિફના પરિવારજનોએ વારંવાર આ મહિલાને પરેશાન કરી હોવાથી મુશ્કેલીમાં મુકાયેલી મહિલાએ જાહેરમાં આગ લગાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
બીજી એક ઘટનામાં ઉત્તરપ્રદેશના ગોંડામાં ત્રણ દલિત બહેનો પર એસિડ હુમલો કરવામાં આવ્યો, જેમાં એકનો ચેહરો સળગી ગયો. ત્રણેય બહેનોને હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. એસિડ હુમલાની ઘટના ગોંડાના પરસપુરની છે. ત્રણેય બહેનો સુઇ રહી હતી ત્યારે જ તેના પર એસિડ ફેંકાયો હતો. એક યુવતીનો ચેહરો બળી ગયો છે અને તડપતી હાલતમાં ત્રણેય બહેનોને હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.