યુપી વિધાનસભાની ત્રીજા તબક્કા હેઠળની ચૂંટણીમાં 16 જિલ્લામાં આવેલી 59 બેઠકો માટે રવિવારે મતદાન થશે. ત્રીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચારનો શુક્રવારે અંત આવ્યો હતો અને વિવિધ પક્ષોના નેતાએ મતદાતાને રિઝવવા માટે છેલ્લી ઘડીના પ્રયાસ કર્યા હતા. 59 બેઠકો માટે 627 ઉમેદવારો મેદાનમાં છે અને આશરે 2.15 કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
હાથરસ, ફિરોજપુર, ઇતાહ, કાસગંજ, મૈનપુરી, ફરુખાબાદ, કનૌજ, ઓરૈયા, કાનપુર, જલૌન, ઝાંસી, લલિતપુર, હમીરપુર અને મહોબા જિલ્લાની બેઠકો પર ચૂંટણી યોજાશે. સપાના વડા અખિલેશ યાદવ કરહાલ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. ભાજપે આ બેઠક પર કેન્દ્રીય પ્રધાન એસ પી બઘેલને મેદાનમાં ઉતાર્યા છે. સપાના વડા અખિલેશ યાદવ, કેન્દ્રીય પ્રધાન એસ પી સિંહ બધેલ, અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવ સહિતના ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થશે. 2017ની ચૂંટણીમાં આ 59 બેઠકોમાં ભાજપે 49 બેઠકો જીતી હતી અને સપાને નવ બેઠક મળી હતી. કોંગ્રેસને એક બેઠક મળી હતી.