ઉત્તરપ્રદેશ, બિહાર અને દિલ્હીના ભૈયાને પંજાબમાં પ્રવેશ ન કરવા દેવાની લોકોને હાકલ કરીને પંજાબના મુખ્યપ્રધાન ચરણજિત સિંહ ચન્નીએ મોટો વિવાદ ઊભો કર્યો હતો. પંજાબના રૂપનગરમાં રોડ-શો દરમિયાન ચન્નીએ આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું ત્યારે તેમની બાજુમાં જ કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા તાળી પાડી રહ્યાં હતા. આ અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તથા ભાજપ અને આમઆદમી પાર્ટીએ આ નિવેદનની આકરી ઝાટકણી કાઢી હતી.
ચન્નીએ જણાવ્યું હતું કે “પ્રિયંકા ગાંધી પંજાબની વહુ છે. અહીં શાસન કરવા આવેલા ઉત્તરપ્રદેશ, બિહાર અને દિલ્હીના ભૈયાને પ્રવેશ કરવા દેશો નહીં.” આ નિવેદનની ટીકા કરતાં આપના નેશનલ કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આ નિવેદનને શરમજનક ગણાવ્યું હતું અને જણાવ્યું હતું કે અમે કોઇ વ્યક્તિ કે ચોક્કસ સમુદાય સામેની આ ટીપ્પણીની આકરી નિંદા કરીએ છીએ. ચન્નીએ અગાઉ મને કાળો વ્યક્તિ ગણાવ્યો હતો. ભગવંત માને જણાવ્યું હતું કે પ્રિયંકા ગાંધી પણ ઉત્તરપ્રદેશમાં રહે છે તેથી તે પણ ભૈયા છે.
ભાજપના નેતા તેજસ્વી સુર્યાએ ટ્વીટર પર ચન્નીનો વીડિયો મૂકીને આ મુદ્દે પ્રિયંકા ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પ્રિયંકાજી યુપીના મુલાકાત લે છે ત્યારે પોતાને યુપીની પુત્રી બતાવે છે. બીજી તરફ પંજાબમાં યુપી અને બિહારના લોકોનું અપમાન થાય છે ત્યારે તાળી પાડીને વધાવી લે છે.