સૌરાષ્ટ્ર અને કચ્છમાં શરુ થયેલા સાઈક્લોનિક સર્ક્યુલેસનની અસરને કારણે રવિવારે સતત બીજા દિવસે ગુજરાતનું હવામાન પલટાયું હતું અને ઠેરઠેર આંધી વંટોળ સાથે કમોસમી વરસાદ આવ્યો હતો. માવઠાને કારણે કેરી સહિતના વિવિધ પાકોને નુકસાન થયું હતું. જોકે લોકોને કાળઝાળ ગરમીમાં રાહત મળી હતી.
સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અગાઉ હવામાન વિભાગે રાજ્યના 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. અસહય ઉકળાટ બાદ દ્વારકા, અમરેલી, કચ્છ, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લા સહિત ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. શનિવારે રાજકોટના ગ્રામ્ય પંથક, અમરેલી અને ગીર પંથક તેમજ કચ્છ જિલ્લામાં ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભરઉનાળે વરસાદ પડતા કેરી, મગ, તલ સહિતના ઉનાળુ પાકને નુકસાનની ચિંતા ઊભી થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગાહી કરી હતી કે,14મી એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ તથા કચ્છના વિસ્તારમાં વરસાદની શક્યતા છે. 15મી એપ્રિલે સાબરકાંઠા મહીસાગર, અરવલ્લી અને દાહોદમાં છુટો-છવાયો વરસાદ વરસી શકે છે.