યુએન સુરક્ષા પરિષદની કાઉન્ટર-ટેરરિઝમ કમિટીએ દિલ્હીમાં શનિવારે બે દિવસીય વિશેષ બેઠકને અંતે તમામ સભ્ય દેશોને આતંકવાદી પ્રવૃત્તિઓ સામે “ઝીરો ટોલેરન્સ” સુનિશ્ચિત કરવાની હાકલ કરી હતી અને આ સમસ્યાનો વધુ જોરશોરથી સામનો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ બેઠકને અંતે દિલ્હી ઘોષણાપત્ર અપનાવવામાં આવ્યું હતું, જેમાં આતંકવાદ અને ટેરર ફંડિંગના પડકારનો સામનો કરવા માટે કાઉન્સિલ માટે કઇ બાબતો મહત્ત્વની છે તેની યાદી છે. UNSCની કાઉન્ટર ટેરરિઝમ કમિટી (CTC)ની બેઠક 28-29 ઓક્ટોબર, 2022ના રોજ મુંબઈ અને દિલ્હીમાં યોજાઈ હતી.
આ બેઠકમાં યુએન સિક્યુરિટી કાઉન્સિલના 15 સભ્ય દેશોના પ્રતિનિધિઓ અને વૈશ્વિક આતંકવાદ વિરોધી નિષ્ણાતોએ હાજરી આપી હતી. ઘોષણાપત્રમાં વૈશ્વિક સંસ્થાએ આતંકવાદી હેતુઓ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સહિત ઇન્ટરનેટ અને અન્ય ટેકનોલોજીના વધતા ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ટેરર ફાઇનાન્સિંગ માટે ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ્સ જેવી ફાઇનાન્શિયલ ટેકનોલોજીનો દુરુપયોગ થવાનું જોખમ છે. મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવા માટે ત્રાસવાદીઓ દ્વારા ડ્રોનના ઉપયોગમાં થઈ રહેલા વધારા અંગે પણ ચિંતા વ્યક્ત કરાઈ છે.
કાઉન્ટર-ટેરરિઝમ કમિટીએ તમામ સભ્ય-રાજ્યોને માનવાધિકાર કાયદા સહિત આંતરરાષ્ટ્રીય કાયદાઓ હેઠળ જવાબદારીઓ સાથે સુસંગત રહીને આતંકવાદ પ્રત્યે “ઝીરો ટોલેરન્સ” સુનિશ્ચિત કરવાનો અનુરોધ કરાયો હતો. આ બેઠકમાં યુએનના વિવિધ ઠરાવોના સંપૂર્ણ અને અસરકારક અમલ દ્વારા તમામ સ્વરૂપોના આતંકવાદનો સામનો કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
સમિતિએ પુષ્ટિ કરી હતી કે તમામ પ્રકારના આતંકવાદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સૌથી ગંભીર ખતરો છે અને સમિતિએ વૈશ્વિક સ્તરે આ સંકટ સામે લડવા માટેના પ્રયાસોની અસરકારકતા વધારો કરવા માટે વધુ યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.