અમેરિકાના કેલિફોર્નીઆમાં એક શિખ અમેરિકને એક બીજા ઈન્ડિયન અમેરિકન, હિન્દુ વિરૂદ્ધ રેસિસ્ટ વલણ દાખવ્યાનો, અપશબ્દો કહ્યાનો અને આક્રમક વૃત્તિ દાખવ્યાનો અભૂતપૂર્વ કહી શકાય એવો કિસ્સો નોંધાયો છે. 

કેલિફોર્નીઆના ફ્રેમોન્ટમાં ગ્રિમર બુલેવર્ડ ખાતે આવેલા ટેકો બેલ રેસ્ટોરેન્ટમાં ગઈ તા. 21 ઓગસ્ટના રોજ 37 વર્ષના તેજિન્દરે લગભગ કોઈ ઉશ્કેરણી વિના ક્રિષ્નન જયરામનને એવું કહ્યું હતું કે, તુ ચિતરી ચડે તેવો, કૂતરો છો. તારો દેખાવ સાવ ખરાબ છે. બીજી વખત આ રીતે જાહેરમાં દેખાતો નહીં.

એનબીસી ન્યૂઝના રીપોર્ટ મુજબ આ કિસ્સામાં યુનિયન સિટીના રહેવાસી તેજિન્દર સામે નાગરિક અધિકારોના ભંગ બદલ હેટ ક્રાઈમ, અપમાનજનક ભાષાના ઉપયોગ દ્વારા હુમલો અને શાંતિ ભંગના આરોપો મુકાયાનું ફ્રેમોન્ટ પોલીસે જણાવ્યું હતું. તેની સામેના આરોપનામામાં તેજિન્દર પણ મૂળભૂત રીતે એશિયન/ઈન્ડિયન હોવાનું દર્શાવાયું છે. 

તેજિન્દરે શાબ્દિક હુમલામાં જયરામનને ગંદો હિન્દુ કહેતાં ઉમેર્યું હતું કે, તું માંસ ખાતો નથી. તેણે નજીકથી જયરામનના મોં ઉપર બીફ (ગૌમાંસ) ના બરાડા પાડ્યા હતા અને તેઓ માંસ નહીં ખાતા હોવા બાબત પણ તેનું અપમાન પણ કર્યું હતુ. તે બે વખત જયરામનના મોઢા ઉપર થૂંક્યો હોય તેવું પણ વિડિયોમાં દેખાતું હતું. તે એવું પણ બોલ્યો હતો કે, આ ઈન્ડિયા નથી, અમેરિકા છે. 

જયરામને પોતાની સાથેના આ વર્તનનો વિડિયો ઉતાર્યો હતો અને પછી એનબીસી બે એરીઆ ચેનલ સાથેની વાતચિતમાં એવું કહ્યું હતું કે, પોતે આ ઘટનાથી ડરી ગયો હતો અને તેનું આ રીતે અપમાન કરનારો પોતે ઈન્ડિયન હોવાની વાત તેના માટે વધારે આઘાતજનક રહી હતી. જયરામને તેજિન્દરને એવું પણ કહ્યું હતું કે, હું અહીં તારી સાથે ઝઘડો કરવા નથી આવ્યો. તું આખરે ઈચ્છે છે શું. સામે તેજિન્દરે એવું કહ્યું હતું કે, તમે હિન્દુઓ શરમજનક છો, ગંદા છો.  એ પછી જયરામન અને રેસ્ટોરેન્ટના એક કર્મચારીએ ફ્રેમોન્ટ પોલીસને ફોન કરી ત્યાં બોલાવી હતી.  

LEAVE A REPLY