સંસદની સુરક્ષામાં ચૂકના મામલે સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચે સોમવારે અસાધારણ ટકરાવ સર્જાયો હતો. સંસદની કાર્યવાહી ખોરવી નાંખવા માટે વિપક્ષના વધુ 78 સાંસદોને લોકસભા અને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયાં હતાં. વિપક્ષ સંસદની સુરક્ષાના મુદ્દે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનની માગણી કરી રહ્યો છે. ગયા સપ્તાહે 14 સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા. આ સત્રમાં સસ્પેન્ડ કરાયેલા સાંસદોની કુલ સંખ્યા 92 થઈ ગઈ હતી.
લોકસભામાં 30 સાંસદોને સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને વિશેષાધિકાર સમિતિ તેમના આચરણ અંગે રિપોર્ટ સબમિટ ન કરે ત્યાં સુધી ત્રણને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. રાજ્યસભાની વાત કરીએ તો 35 સભ્યોને બાકીના સત્ર માટે અને 11 સભ્યોને વિશેષાધિકાર પેનલના અહેવાલ સુધી સસ્પેન્ડ કરાયા હતા.
લોકસભામાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને ગૃહમાં પાર્ટીના ઉપનેતા ગૌરવ ગોગોઈનો સમાવેશ થાય છે. તૃણમૂલ સાંસદો કલ્યાણ બેનર્જી, કાકોલી ઘોષ દસ્તીદાર, સૌગતા રે અને સતાબ્દી રોય અને ડીએમકેના સભ્યો એ રાજા અને દયાનિધિ મારન પણ આ યાદીમાં છે. રાજ્યસભામાં કોંગ્રેસના જયરામ રમેશ અને રણદીપ સિંહ સુરજેવાલા, ડીએમકેના કનિમોઝી અને આરજેડીના મનોજ કુમાર ઝાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.