એશિયાના સૌથી મોટા કોમોડિટી બજાર ગણાતા ઊંઝાના ગંજબજારમાં જીરાની આગઝરતી તેજીએ બુધવાર, 19 જાન્યુઆરીએ એક નવો ઇતિહાસ રચી દીધો હતો. આ તેજી પાછળનું કારણ વરસાદ હોવાનું મનાઈ રહ્યું છે. ઊંઝાના ગંજબજારમાં બુધવારે ગોંડલથી વેચવા માટે આવેલા નવા જીરાની ખરીદીના મુહૂર્તમાં 20 કિલોનો ભાવ 11,111 બોલાયો હતો. જીરાની નવી આવકમાં હજુ એક મહિનાનો સમય છે, પરંતુ સૌરાષ્ટ્રના ખેડૂતો એક થોડું વહેલું વાવેતર કરી નાખે છે, જેના કારણે ઊંઝા ગંજબજારમાં નવું જીરુ વહેલું આવ્યું હતું. આવામાં મુહૂર્તની ખરીદીમાં આગઝરતી તેજીએ સૌ કોઈને આશ્ચર્યમાં મૂક્યા છે.
જીરુંના બજારના જાણકારોનું કહેવું છે કે અત્યારે ગુજરાતમાં ૨૦ લાખ બોરીનો સ્ટોક છે. તેની સામે નવો પાક ૭૦ ટકા પણ આવે તો ૬૦થી ૬૫ લાખ બોરી આવશે. સામાન્ય વરસોમાં ૮૫થી ૮૭ લાખ બોરી પાક આવતો હોય છે. દેશ અને પરદેશમાં મળીને વરસેદહાડે અંદાજે ૬૦થી ૬૫ લાખ બોરી જીરુંની ખપત થાય છે. તેથી સ્ટોકના પ્રમાણ, પાકના પ્રમાણ અને ડિમાન્ડ જોતાં તેજી થવાની જરાય શક્તા દેખાતી નથી. આબુરોડના અને મધ્યપ્રદેશના માલની થોડી થોડી આવકો બજારમાં થવા માંડી છે.
આ વરસે નવા પાક અને જૂના સ્ટોકને ધ્યાનમા ંલેવામાં આવે તો ભારતની અને દુનિયાની જીરુની જરૃરિયાત સંતોષાઈ જાય તે પછી પણ ૧૫થી ૨૦ લાખ બોરી સ્ટોક બચેલો રહેવાની ધારણા છે. આ સ્થિતિમાં જીરુના બજારને ઊછાળવા માટે સટોડિયાઓની કાર્ટેલ સક્રિય થઈ રહી હોવાના નિર્દેશો મળી રહ્યા છે. ઊંચા ભાવ બોલાય તો ખેડૂતો તેમનો માલ વેચવા પડાપડી કરી દે તેવી ગણતરી સાથે પણ ઊંચા ભાવ બોલાવીને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાય છે.