મહેસાણા જિલ્લાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું ડેન્ગ્યૂને કારણે રવિવારે અવસાન થયું હતું. તેમની ઉંમર 44 વર્ષ હતી. અમદાવાદમાં સારવાર દરમિયાન નિધન થયા બાદ તેમના પાર્થિવ દેહને ઊંઝા લઈ જવામાં આવ્યો હતો. લોકો અંતિમ દર્શન કરી શકે તે માટે આશાબહેનના પાર્થિવ દેહને ઊંઝા APMCમાં રાખવામા આવ્યો હતા. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ ઊંઝામાં પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા. પાર્થિવ દેહને વતન વિશોળ ગામે લઈ જવાશે અને ત્યારબાદ સિદ્ધપુર મુક્તિધામમાં અંતિમવિધિ કરવામા આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી આશાબેનના નિધન પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલના અવસાનથી દુ:ખ અનુભવું છું. તાજેતરમાં જ તેઓ સાથે સંસદ ભવન ખાતે મુલાકાત થયેલ હતી. સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. સદગતના આત્માની શાંતિ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના… ઓમ શાંતી.
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આશાબેન પટેલના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્યપ્રધાને ડો.આશા બહેનના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે ઊંઝા પહોંચ્યા હતા અને સદગતને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ ઉપરાંત સોમાભાઈ પટેલ, નારણભાઈ પટેલ, રજની પટેલ, મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ, દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી, ભૂતપૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ સહિતના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આશાબેનના નિધન પર શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, આશાબેન પટેલને ડેન્ગ્યુના કારણે ઝાયડ્સ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ડોકટરોની મહેનત છતાં બચાવી શક્યા નથી.