Unique achievement of Annu Kapoor
બોલિવૂડ અભિનેતા અન્નુ કપૂર તેની આગામી ફિલ્મ 'મૈં દીનદયાળ હુ' ના મુહૂર્ત દરમિયાન પોઝ આપે છે. આ ફિલ્મમાં તેઓ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની ભૂમિકા ભજવે છે. (ANI ફોટો)

અનિલ કપૂરે ક્યારેય ગીત ગાયા છે ? અને એ પણ ચાર હજાર ગીતો? આ વાત આશ્ચર્યજનક તો છે જ, સાથે સાચી પણ છે. આ વાત અન્નુ કપૂરના નામે ઓળખાતા અનિલ કપૂરની છે. હવે રહી વાત 4000 ગીતોની, તો એક સમયે ઝી ટીવી પર દર્શાવાતી અંતાક્ષરીની ? દેશ-વિદેશમાં ભારતીયોના ઘરમાં રમાતી-પિકનીક કે ગેધરીંગમાં રમાતી આ સૌથી લોકપ્રિય ગેમને ટીવીના પડદે લાવ્યા હતા અન્નુ કપૂર. લાંબા સમય સુધી ચાલેલા આ ટીવી શોમાં તેમણે અલગ અલગ સેગમેન્ટ્સ દરમિયાન કુલ 4000 ગીત ગાયા છે અને તેમનો અવાજ પણ એટલો જ યોગ્ય છે.

ગત મહિને અન્નુ કપૂરે પોતાનો 67મો જન્મ દિન ઉજવ્યો હતો. ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ભણવાનું અધવચ્ચેથી જ છૂટી ગયું અને અન્નુ કપૂર કામે લાગ્યા. ચા વેચી, ચૂરણ વેચ્યુ, લોટરી વેચી જેવા ઘણા નાના કામો કર્યા. અંતમાં પિતાજીએ કહ્યું કે, કંઈ ન ફાવે તેમ હોય તો મારી થીયેટર કંપનીમાં આવી જા. અન્નુ કપૂર જોડાયા. તેમનો રસ જોઈને તેમના ભાઈએ તેને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી)જોડાવા કહ્યું હતું. મુંબઈ ખાતે એક ડ્રામા દરમિયાન શ્યામ બેનેગલે તેમને જોયા.

તેમના વખાણ કરતો એક પત્ર મોકલ્યો અને સાથે તેમની ફિલ્મ મંડીમાં કામ કરવાની ઓફર આપી. તે બાદ તેઓ અલગ અલગ ભૂમિકામાં આપણને મનોરંજન પીરસી રહ્યા છે. એ વાત ખરી કે એક અભિનેતા તરીકે અન્નુ કપૂરને તેમની પ્રતીભા અનુસાર નામના નથી મળી, પરંતુ તેમણે પોતાની આ જ વિશિષ્ટ ક્ષમતા અને સૂઝથી જે પણ કંઈ મળ્યું તે દ્વારા દર્શકોને પોતાની ઉપસ્થિતિનિ નોંધ લેતા કરી દીધા છે. ઓછું ભણ્યા હોવા છતાં વેદ, ઉપનીષદ, ઊર્દૂ શાયરી-ગઝલ અને કલાક્ષેત્રનું તેમનું જ્ઞાન તેમને એક ખૂબ જ સારા એન્કર બનવામાં મદદરૂપ થયા છે. પોતાની આગવી અભિનય ક્ષમતા, અલગ પ્રકારની ડાયલોગ ડિલિવરી, વિશાળ વાંચન અને ભાષા અને અભિવ્યક્તિ પરની પકકડથી બોલીવૂડમાં અન્નુ કપૂરે પોતાનું એક અલગ જ સ્થાન ઊભું કર્યું છે.

હવે વાત અનિલ કપૂરમાંથી અન્નુ કપૂર કઈ રીતે બન્યા તેની. એકવાર એવું થયું કે યશ ચોપરાની ફિલ્મ મશાલમાં તેમણે એક નાનકડી ભૂમિકા ભજવી હતી અને તેમને રૂ. 4000 આપવાની વાત થઈ હતી, પણ ચેક આવ્યો રૂ.10,000નો. હવે આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા અનિલ કપૂર પણ હતા અને આ ચેક તેમનો હતો. આ ગેરસમજ પછી તેમણે ઈન્ડસ્ટ્રીના મિત્રોની સલાહથી પોતાનું નામ અનિલમાંથી અન્નુ કપૂર રાખી લીધું હતું.

—————————-

LEAVE A REPLY