છેલ્લા એક વર્ષમાં ભારતમાં 1 બિલિયન ડોલરથી વધુ મૂલ્યાંકન ધરાવતા 33 સ્ટાર્ટ-અપને ‘યુનિકોર્ન’નો દરજ્જો મળ્યો છે. આ સાથે ભારતે યુનિકોર્નની યાદીમાં બ્રિટનને પાછળ છોડી દીધું છે.
હુરુન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં યુનિકોર્ન કંપનીઓની વિગતો આપવામાં આવી છે. આ યાદીમાં ભારતનું પ્રદર્શન નોંધપાત્ર સુધર્યું છે, પરંતુ અમેરિકા અને ચીન હજુ પણ આપણા કરતા ઘણા આગળ છે. બ્રિટને પાછળ રાખીને આ યાદીમાં ભારત ત્રીજા ક્રમે પહોંચ્યું છે. રિપોર્ટ અનુસાર આ વર્ષે અમેરિકામાં વધુ 254 યુનિકોર્નનો ઉમેરો થયો છે.
આ સાથે આ પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ કંપનીઓની સંખ્યા વધીને 487 થઈ ગઈ છે. બીજી તરફ આ વર્ષે ચીનમાં 74 યુનિકોર્ન કંપનીઓ ઉભરીને આવી છે અને કુલ સંખ્યા વધીને 301 થઈ ગઈ છે. જો ભારતની વાત કરીએ તો આ વર્ષે 33 સ્ટાર્ટઅપ કંપનીઓ એક બિલિયન ડોલરથી વધુના મૂલ્યાંકન સાથે યુનિકોર્નનો દરજ્જો મેળવવામાં સફળ રહી છે. આ સાથે ભારતમાં કુલ 54 યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ થયા છે. તે જ સમયે આ વર્ષે બ્રિટનમાં 15 નવા યુનિકોર્નની રચના સાથે કુલ સંખ્યા 39 પર પહોંચી ગઈ છે.
હુરુન રિપોર્ટ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય સંશોધક અનસ રહેમાન જુનૈદે જણાવ્યું હતું કે ભારત હાલમાં સ્ટાર્ટઅપ વિસ્ફોટની સ્થિતિમાં છે. ભારતમાં એક જ વર્ષમાં યુનિકોર્નની સંખ્યા બમણીથી વધુ થઈ ગઈ છે. આ સિવાય અમેરિકામાં આઈટી કંપનીઓનો ગઢ ગણાતી સિલિકોન વેલીમાં 50થી વધુ યુનિકોર્ન કંપનીઓના સ્થાપકો ભારતીય છે એટલેકે માત્ર ભારતના યુનિકોર્ન સ્ટાર્ટઅપ જ નહિ વિશ્વભરના યુનિકોર્ન સ્ટાર્ટઅપ પણ ભારતીય મૂળના સાહસિકોની જ દેન છે.