યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ યુક્રેનમાં માનવતાવાદી કટોકટી માટે રશિયાને દોષિત ઠેરવતા ઠરાવને મંજૂરી આપી અને તાત્કાલિક યુદ્ધ વિરામ માટે અનુરોધ કર્યો છે. મતદાન દરમિયાન પક્ષમાં 140 અને વિરોધમાં 5 મત પડ્યા હતા. 38 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યુક્રેન અને તેના સહયોગીઓ દ્વારા લાવવામાં આવેલા માનવીય સંકટ પરના ઠરાવ દરમિયાન ભારત ગેરહાજર હતું. અગાઉ યુએન સુરક્ષા પરિષદ યુક્રેનની વધતી જતી માનવતાવાદી જરૂરિયાતોને સ્વીકારતો રશિયન ઠરાવ પસાર કરવામાં નિષ્ફળ ગયો, પરંતુ રશિયન આક્રમણનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. રશિયાને ઠરાવ પસાર કરવા માટે 15 સભ્યોની સુરક્ષા પરિષદમાં ઓછામાં ઓછા નવ મતોની જરૂર હતી, તેમજ અન્ય ચાર કાયમી સભ્યો, યુએસ, બ્રિટન, ફ્રાન્સ અને ચીનમાંથી કોઈ પણ ‘વીટો’નો ઉપયોગ ન કરે તે જરૂરી હતું. જો કે, રશિયાને માત્ર તેના સાથી ચીનનું સમર્થન મળ્યું, જ્યારે ભારત સહિત અન્ય 13 કાઉન્સિલ સભ્યોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. તેને રશિયાની મોટી નિષ્ફળતા તરીકે જોવામાં આવી રહી છે.