સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર અને ભારતીય ટીમ વતી પણ કેટલીક મેચ રમી ચૂકેલા જયદેવ ઉનડકટે 2023નો ધમાકેદાર આરંભ કરી રણજી ટ્રોફીના ઈતિહાસમાં મેચની પહેલી જ ઓવરમાં હેટટ્રિક ઝડપી એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે.
ગયા સપ્તાહમાં મંગળવારે (3 જાન્યુઆરી) ઘરઆંગણે રાજકોટમાં જ જયદેવે દિલ્હી સામેની મેચની પહેલી ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમાં બોલે ઉપરાઉપરી ત્રણ વિકેટ ખેરવી હતી. મેચના આરંભે – પહેલી જ ઓવરમાં અત્યારસુધી કોઈ બોલરને હેટટ્રિક મળી નહોતી. એકંદરે એ ઈનિંગમાં ઉનડકટે 39 રનમાં 8 વિકેટ ખેરવી પોતાનો કેરિયર બેસ્ટ દેખાવ કર્યો હતો. દિલ્હીએ ઈનિંગમાં કંગાળ દેખાવના પગલે ફક્ત 133 રન કરી શક્યું હતું.