ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (ANI Photo)

રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાત ભાજપના ચારેય ઉમેદવારો ગત મંગળવારે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસે સંખ્યાબળ ના હોવાથી ઉમેદવાર ઉભા રાખ્યા ન હતા. જેના કારણે ભાજપના ચાર ઉમેદવારો જે.પી નડ્ડા, ગોવિંદ ધોળકિયા જશવંતસિંહ પરમાર, મયંક નાયક બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટ સહિત કુલ 15 રાજ્યમાં 56 સીટ માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાંથી ભાજપનું વિધાનસભામાં સંખ્યાબળ 156 જેટલું હોવાના કારણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર પણ ઉતાર્યા ન હતા. જ્યારે બીજી તરફ અપક્ષ ઉમેદવાર પરેશ મુલાણીનું પણ સમર્થનના અભાવે ફોર્મ રદ્દ કરવામાં આવ્યું હતું. જ્યારે ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાના ડમી ઉમેદવાર રજની પટેલે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી..

જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેઓ હિમાચલ પ્રદેશના વતની છે અને તેમણે બિહારમાં પણ જીવનનો નોંધપાત્ર સમય વિતાવ્યો છે.

ગોવિંદભાઈ ધોળકિયા સૌરાષ્ટ્રના મૂળ હીરાના પ્રતિષ્ઠિત વેપારીઓ છે. તેઓ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડના સ્થાપક ચેરમેન છે. (SRK જૂથ) અને સંખ્યાબંધ પરોપકારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે.
મયંક નાયક ગુજરાત ભાજપના અન્ય પછાત વર્ગ (ઓબીસી) મોરચાના પ્રમુખ છે. તેઓ શામળાજી વિષ્ણુ મંદિરના ટ્રસ્ટી છે. તેઓ પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રભારી છે.

ગોધરાના ડોક્ટર અને પેટ્રોલ પંપના માલિક જશવંતસિંહ પરમારે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે બળવાખોર તરીકે ચૂંટણી લડી હતી અને હારી ગયા હતા. તેઓ ઓબીસી વર્ગના છે.

રાજ્યસભાની બેઠકમાં છેલ્લા અઢી દાયકાથી ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ એક બેઠક રાજ્ય બહારના નેતાને આપે છે. કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ. જયશંકર પણ ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય છે. હવે તેમાં વધુ એક બિન ગુજરાતી તરીકે ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાનું નામ ઉમેરાયું છે. આ વખતે મનસુખ માંડવિયા અને પરસોતમ રૂપાલાને રાજ્યસભામાં રિપીટ કરાયા નથી.

LEAVE A REPLY