ભારતની સુપ્રીમ કોર્ટે બેન્કો, પોસ્ટ ઓફિસ, વીમા કંપનીઓ વગેરમાં દાવો ન કરવામાં આવેલી ડિપોઝિટની માહિતી માટે સેન્ટ્રલ ડેટાબેઝ ઊભો કરવાની માગણી કરતી એક અરજી અંગે કેન્દ્ર સરકાર અને અન્ય સંબંધિત પક્ષકારો પાસે જવાબ માંગ્યો છે. મૃતક ખાતાધારકના બેન્ક એકાઉન્ટ, ઇન્શ્યોરન્સ અને પોસ્ટ ઓફિસમાં પડેલા ફંડની માહિતી પૂરી પાડવા સેન્ટ્રલ ડેટાબેઝ તૈયાર કરવાની આ અરજીમાં માગણી કરવામાં આવી છે.
કોર્ટે કેન્દ્રીય નાણા મંત્રાલય, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, સેબી અને અન્યોનો નોટિસ આપી છે. આ અંગેની પિટિશન જર્નાલિસ્ટ સુચેતા દલાલે દાખલ કરી છે. કોર્ટમાં સુચેતા દલાલ વતી એડવોકેટ પ્રશાંત ભૂષણ હાજર રહ્યાં હતા.
પિટિશનમાં એવી પણ માગણી કરવામાં આવી છે કે કાનૂની વારસદારોના દાવાનો ઉકેલ માટેની એક પ્રોસિજર નિર્ધારિત કરવા માટે આદેશ આપવામાં આવે છે અને બિનજરૂરી લિટિગેશનને નાબૂદ કરવામાં આવે.
કોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે ડિપોઝિટિર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ (DEAF) પાસે 31 માર્ચ 2021ના રોજ રૂ. 39,264.25 કરોડ હતા, જે 31 માર્ચ 2020ના રોજ રૂ. 33,114 કરોડ હતા. આ રકમ માર્ચ 2019ના રોજ રૂ. 18,381 કરોડ હતી. આમ આ રકમ તીવ્ર વધારો થયો છે. આમ ઉપરાંત ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડમાં પડેલી રકમમાં પણ આશરે 10 ગણો વધારો થયો છે. આ રકમ 1999માં રૂ.400 કરોડ હતી, જે માર્ચ 2020ના અંતે વધી રૂ.4,100 કરોડ થઈ હતી.
અરજીમાં જણાવાયું છે કે રિઝર્વ બેન્કના અંકુશ હેઠળ સેન્ટ્રલ ઓનલાઇન ડેટાબેઝ ઊભો કરવાની તાકીદની જરૂરિયાત છે.તેનાથી મૃતક ખાતાધારકના નામ, એડ્રેસ, ટ્રાન્ઝેક્શનની છેલ્લી તારીખ જેવી વિગતોની માહિતી મળી શકે. આ ઉપરાંત બેન્કો માટે એ ફરજિયાત બનાવવું જોઇએ કે તે નિષ્ક્રીય કે ડોર્મેન્ટ બેન્ક એકાઉન્ટ અંગેની માહિતી રિઝર્વ બેન્કને આપે. આ કવાયતનું 9થી 12 મહિનાના સમયગાળામાં પુનરાવર્તન થવું જોઇએ.
અરજીમાં જણાવ્યા અનુસાર મૃતક ખાતાધારકની માહિતી આપતી સેન્ટ્રલ ડેટાબેઝની જરૂરિયાત ખૂબ આવશ્યક છે, કારણ કે હાલમાં કાનૂની વારસદારોએ વ્યક્તિના મૃત્યુ પછી દાવો કરવા માટે લાંબી અને કષ્કદાયક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.