અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ICC ક્રિકેટ વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમેની અંગે વિરોધાભાષી રીપોર્ટ મળી રહ્યાં છે. લેટેસ્ટ રીપોર્ટ મુજબ આ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની રાખવામાં આવશે નહીં. મીડિયા રીપોર્ટ મુજબ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કોઈ ઉદ્ઘાટન સમારોહ હશે નહીં. 2023 ક્રિકેટ વર્લ્ડ કપની પ્રથમ મેચ અગાઉની ટુર્નામેન્ટના બે ફાઇનલિસ્ટ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે.
સામાન્ય રીતે મોટી ટુર્નામેન્ટ માટે ઉદઘાટન સમારોહ એ સામાન્ય પરંપરા છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટુર્નામેન્ટની શરૂઆતની મેચના એક દિવસ પહેલા 4 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન કર્યું હતું. આયોજિત સમારંભમાં રણવીર સિંહ, અરિજિત સિંહ, તમન્ના ભાટિયા, શ્રેયસ ઘોષાલ અને આશા ભોંસલે જેવા જાણીતા બોલિવૂડ સ્ટાર્સ હાજર રહેવાના હતા. ICC મેન્સ ODI વર્લ્ડ કપના ઉદઘાટન સમારોહમાં આતશબાજી અને લેસર શોનો પણ સમાવેશ થાય તેવી અપેક્ષા હતી.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેપ્ટન્સ ડેના કાર્યક્રમ બાદ સ્ટાર્સથી ભરપૂર ઓપનિંગ સેરેમની સાંજે 7 વાગ્યે શરૂ થવાની હતી. કેપ્ટન્સ ડે ઇવેન્ટ હજુ ટ્રેક પર છે, ત્યારે ઉદઘાટન સમારોહને રદ કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.