પાકિસ્તાની સેનેટે સુરક્ષાની ચિંતાઓને કારણે 8 ફેબ્રુઆરીએ નિર્ધારિત ચૂંટણીમાં વિલંબ કરવાના એક ઠરાવને શુક્રવારે મંજૂરી આપી હતી.સેનેટર દિલાવર ખાને રજૂ કરેલા ઠરાવને બહુમતીથી બહાલી મળી હતી. પાકિસ્તાનના માહિતી પ્રધાન મુર્તઝા સોલંગી અને PML-N સેનેટર અફનાન ઉલ્લાહે આ ઠરાવનો વિરોધ કર્યો હતો.
સેનેટના આ ઠરાવને પગલે આર્થિક અને રાજકીય સંકટ સામે ઝઝુમી રહેલા પાકિસ્તાનમાં ચૂંટણી યોજવામાં પણ અનિશ્ચિતતા ઊભી થઈ હતી. સેનેટે શિયાળાની મોસમ અને સુરક્ષાની ચિંતાઓનો હવાલો આપી આ નિર્ણય કર્યો હતો.
અગાઉ નવેમ્બરમાં ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, પાકિસ્તાનમાં નવી સરકારની રચના કરવા માટે ફેબ્રુઆરીમાં સામાન્ય ચૂંટણી યોજાશે. જોકે ફરી પાકિસ્તાનમાં લોકસભાની ચૂંટણી ટળી છે. ઓક્ટોબર-2023માં પણ ચૂંટણી પંચે જાન્યુઆરીમાં ચૂંટણી યોજાવાની જાહેરાત કરી હતી પણ તારીખ આપી ન હતી. તે દરમિયાન પાકિસ્તાન ચૂંટણી પંચના વકીલ સજીલ સ્વાતીએ પાંચ ડિસેમ્બરે મત વિસ્તારોની અંતિમ યાદી જાહેર કરવાની વાત કહી હતી.