વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 સપ્ટેમ્બર 2021ના રોજ ન્યૂ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને સંબોધન કરતાં જણાવ્યું કે તેઓ એવા દેશનું પ્રતિનિધિત્વ કરે છે જે લોકશાહીની માતા હોવાનું ગૌરવ ધરાવે છે. તેમણે રેલવે સ્ટેશન પર ચા વેચનાર વ્યક્તિથી લઈને એક વડાપ્રધાન બનવાની વાતનો ઉલ્લેખ કરીને દેશની લોકશાહીની મજબૂતીને ઉજાગર કરી હતી.
ભારતની લોકશાહીનો ઉલ્લેખ કરતા મોદીએ જણાવ્યું કે, અમારી લોકશાહીની પરંપરા હજારો વર્ષો જૂની છે. હું એવા દેશનું પ્રતિનિધિત્વ કરું છું જેને લોકશાહીની માતા તરીકે ઓળખવામાં આવે છે. 15 ઓગસ્ટના રોજ ભારત તેના 75માં આઝાદી પર્વમાં પ્રવેશ્યું હતું. અમારી વિવિધતા જ અમારી મજબૂત લોકશાહીની ઓળખ છે તેમ વડાપ્રધાને જણાવ્યું હતું.
ભારતની વિવિધતાનો ઉલ્લેખ કરતાં મોદીએ વધુમાં જણાવ્યું કે, ભારત દેશમાં સંખ્યાબંધ ભાષાઓ બોલવામાં આવે છે, અનેક બોલી બોલાય છે, વિવિધ જીવનશૈલી અને ભોજન છે. આ એક ગતિશીલ લોકશહીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અમારી લોકશાહીની શક્તિનું કોઈ ઉદાહરણ આપવું હોય તો હું તમને જણાવીશ કે એક નાનો બાળક રેલવે સ્ટેશન ઉપર તેના પિતાને ચા વહેંચવામાં મદદ કરતો હતો અને આજે તે ભારતના વડાપ્રધાન તરીકે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને ચોથી વખત સંબોધન કરી રહ્યો છે.
મે જાહેર સેવામાં 20 વર્ષથી વધુ સમય વિતાવ્યો છે. અગાઉ હું ગુજરાતનો સૌથી લાંબા સમય મુખ્યપ્રધાન રહ્યો હતો અને હવે સાત વર્ષથી હું દેશના પીએમ તરીકે દેશસેવામાં કાર્યરત છું. લોકશાહીની આ જ ખાસીયત છે તેમ વડાપ્રધાને જણાવ્યું હતું.