અમદાવાદ સ્થિત સોલા કેમ્પસમાં ઉમિયાધામ મંદિરનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પાટીદાર અગ્રણીઓની ઉપસ્થિતિમાં 20 નવેમ્બરે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ મંદિર 74000 ચોરસવાર જમીનમાં આકાર લઇ રહ્યું છે અને તેમાં રૂા. 1500 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. સોલા કેમ્પસમાં ઉમિયાધામ મંદિરનું નિર્માણકાર્ય 22મી નવેમ્બરથી શરૂ થશે.ઉમિયા માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ સહિત વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે 13 માળની બે અલગ – અલગ હોસ્ટેલની બિલ્ડિંગનું નિર્માણ થશે. આ ઉપરાંત આ સંકુલમાં બીજા કેટલાંક સમાજલક્ષી પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે.
ભૂમિપૂજન સમારોહ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કોઇપણ મંદિરનું નિર્માણ સમાજના ઉત્થાન માટે જરૂરી હોય છે. જરૂર પડશે ત્યાં હું, મારી સરકાર અને મારી ટીમ હાજર રહેશે. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે વિશ્વફલક પર હિન્દુ ધર્મનો પ્રચાર થઇ રહ્યો છે અને ભારતના પ્રવાસે આવતા વિદેશી નાગરિકો દેશના મંદિરો અને હિન્દુ શાસ્ત્રો અંગે અભ્યાસ કરે છે.
ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે સરકારના સારા કામોનો જશ તેમને મળે તેવી મારી ઇચ્છા છે. તેમણે જાહેર મંચ પરથી કહ્યું કે, પાટીદારોને જરૂર પડે તો વિરાટ સ્વરૂપ દેખાડવા તૈયાર રહેવુ પડશે.
નીતિન પટેલે પાટીદાર વિવિધ સંસ્થાઓ ચાલી રહેલા વિખવાદોને ભૂલી એક થવા હાકલ કરી હતી. વિવાદ કરશો તો માન સન્માન નહી રહે. જરૂર પડે પાટીદાર સમાજે વિરાટ સ્વરૂપ ધારણ કરવા તૈયારી રાખવી પડશે. વિરાટ સ્વરૂપ ત્યારે જ બતાવી શકીએ જયારે સમાજમાં એકતા હોય. સ્ટેન્ડ એક જ રાખો, જે અલગ પડયા છે તેમનુ કોઇ સન્માન રહેતુ નથી.