ભાજપશાસિત તમામ રાજ્યોમાં દારુ પર પ્રતિબંધ મૂકાવો જોઈએ તેવી માગ કરતા પૂર્વ કેન્દ્રિય પ્રધાન ઉમા ભારતીએ કરી હતી. હાલ ભાજપ શાસિત મધ્યપ્રદેશમાં દારુની નવી દુકાનોને મંજૂરી આપવાને લઈને સર્જાયેલા વિવાદમાં ઝૂકાવતા ઉમા ભારતીએ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને અપીલ કરી છે કે તેઓ હાલ જેટલા પણ રાજ્યમાં ભાજપની સરકાર છે તેમાં દારુબંધીનો અમલ કરાવે. તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર માટે આવક કરતાં લોકોના જીવનનું મહત્વ વધારે હોવું જોઈએ.
આ અંગે ટ્વીટ કરતાં ઉમા ભારતીએ જણાવ્યું હતું કે તેઓ જાહેરમાં જેપી નડ્ડાને અપીલ કરે છે કે ભાજપશાસિત તમામ રાજ્યોમાં દારુબંધીનો અમલ કરાવાય. રાજકીય પક્ષો પર ચૂંટણી જીતવાનું દબાણ હોય છે, પરંતુ બિહારમાં ભાજપનો વિજય એ વાતની સાબિતી આપે છે કે દારુબંધીને કારણે મહિલાઓએ નીતિશ કુમારને મત આપ્યો હતો.