રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે ખતરનાક તબક્કામાં પ્રવેશ્યું છે. હથિયારોની અછતનો સામનો કરી રહેલા રશિયાના સૈનિકોએ હવે હાઇપરસોનિક મિસાઇલનો ઉપયોગ ચાલુ કર્યો છે. રશિયાના સૈનિકોને પોતાની દળમાં ઘટતા જતાં સૈનિકોની ચિંતા પણ સતાવી રહી છે. પશ્ચિમી દેશોને ચિંતા છે કે પોતાના સૈનિકોના લગાતાર મોતથી રશિયા કોઇપણ સમયે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે.
યુક્રેન સરકારનો દાવો છે કે આ યુદ્ધમાં યુક્રેનના સૈનિકોએ રશિયાના દળોના દાંત ખાટા કરી નાંખ્યા નાંખ્યા છે. આ જંગમાં રશિયાના આશરે 14,700 સૈનિકોના મોત થયા છે.
યુક્રેન પર રશિયાના આક્રમણનો રવિવારે 25મો દિવસ હતો. શનિવારથી રશિયાના સૈનિકોએ હાઇપરસોનિક મિસાઇલના હુમલા ચાલુ કર્યા છે. રશિયા અત્યાર સુધી આવા બે મિસાઇલનો ઉપયોગ કરી ચુક્યું છે. આવી મિસાઇલમાં અણુબોંબ પર રાખી શકાય છે.
યુક્રેને દાવો કર્યો છે કે રશિયાના મોટી સંખ્યામાં સૈનિકોના મોત થયા છે. અત્યાર સુધી રશિયાના 14,700 સૈનિકોના મોત થયા છે. આ ઉપરાંત 97 વિમાનો, 118 હેલિકોપ્ટર, 476 ટેન્ક, 21 યુવી, 1,487 સૈન્ય વાહનો અને 44 એન્ટી એરક્રાફ્ટનો નાશ કરવામાં આવ્યો છે.
રશિયાના સૈનિકો હજુ યુક્રેનની રાજધાની કીવ પર કબજો કરી શક્યા નથી. તેનાથી એવું માનવામાં આવે છે કે પુતિન ટૂંકસમયમાં કોઇ મોટો નિર્ણય કરી શકે છે. પશ્ચિમી દેશોને ભય છે કે પુતિન પરમાણુ હુમલાનો આદેશ આપી શકે છે. રશિયાના તેની ધારણા કરતાં વધુ નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત રશિયા પાસે શસ્ત્રોની અછત ઊભી થવા લાગી છે. તેનાથી રશિયા વિનાશક નિર્ણય કરી શકે છે. રિપોર્ટ મુજબ રશિયા પાસે 6,255 પરમાણુ બોંબ છે, જે દુનિયાના કોઇપણ દેશ કરતાં વધુ છે. અમેરિકા પાસે 5,550 પરમાણું બોંબ છે.
400 શરણાર્થી ધરાવતી સ્કૂલ પર રશિયાની બોંબવર્ષા
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 25મો દિવસ છે. હજુ સુધી બંને દેશો વચ્ચે કોઇ સમજૂતી થઈ નથી. રશિયાના સૈનિકોએ મારિયોપોલની એક સ્કૂલ પર બોંબવર્ષા કરી કરી હતી. આ સ્કૂલમાં આશરે 400 લોકોએ શરણ લીધું હતું. યુક્રેને દાવો કર્યો હતો કે રવિવાર સવાર 11 વાગ્યા સુધીમાં રશિયાના આશરે 14,700 સૈનિકોના મોત થયા છે. યુક્રેનના મિલિટરી ઇન્ટેલિજન્સે દાવો કર્યો હતો કે રશિયાનો ભદ્વ વર્ગ પુતિન પાસેથી સત્તા છીનવી લેવા માટે પશ્ચિમ દેશો સાથે મળીને યોજના બનાવી રહ્યાં છે. યુક્રેનના જનરલ સ્ટાફે દેશના પશ્ચિમ વિસ્તાર બેલારુસમાંથી હુમલાનો ખતરો દર્શાવ્યો છે.
પુતિન સાથે મંત્રણા માટે તૈયારઃ ઝેલેન્સ્કી
રશિયાના આક્રમણના 25માં દિવસે યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે તેઓ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન સાથે મંત્રણા કરવા માટે તૈયાર છે. પરંતુ જો આ મંત્રણા નિષ્ફળ રહેશે તો તેનો અર્થ ત્રીજુ વિશ્વયુદ્ધ હશે. યુક્રેનની મીડિયા ગ્રૂપ ધ કીવ ઇન્ડિપેન્ડન્ટે આ માહિતી આપી હતી. બંને દેશો વચ્ચે અત્યાર સુધી બેથી ત્રણ વખત મંત્રણા થઈ છે, પરંતુ તેમાં કોઇ સફળતા મળી નથી.