યુક્રેન યુદ્ધને વખોડવાના ભારત સરકારના ઇન્કારના પરિણામોથી પોતાને બચાવવા ભારતીય અમેરિકનો રશિયન આક્રમણને ઉગ્રતાથી વખોડવા વચગાળાની વ્યવસ્થારૂપે 22મી જૂને કેપિટોલ હિલ ખાતે ‘યુક્રેનમાં નરસંહાર સામે ભારતીય અમેરિકનોનો વિરોધ’ની થીમ ઉપર સેમિનાર યોજાવા વિચારી રહ્યા છે. રાજકીય મોરચે સક્રિય અને વગદાર ભારતીય અમેરિકન રાજકીય વર્ગના બંને પક્ષો (ડેમોક્રેટ – રિપબ્લિકન) સાથે સંકળાયેલા સભ્યોનું જૂથ દ્વારા આયોજીત સૂચિત સેમિનારમાં ઘણા યુએસ લો-મેકર્સ તથા અગ્રણી યોગગુરુ હાજર રહેવાની શક્યતા છે. સેમિનારમાં ભારતીય અમેરિકન વક્તાઓમાં હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવના ચાર સભ્યો અમી બેરા, પ્રેમિલા જયપાલ, રો ખન્ના અને રાજા કૃષ્ણમૂર્તિનો સમાવેશ થઇ શકે છે. આ ચારેય સભ્યો રશિયન આક્રમણના પ્રબળ ટીકાકાર હોવા ઉપરાંત યુદ્ધને વખોડવાના ભારતના ઇન્કારના પણ આલોચક રહ્યા છે.
રાજકારણમાં સક્રિય ભારતીય અમેરિકનો ભારત – અમેરિકા સંબંધોમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતા રહ્યા છે. 1998ના પોખરણ અણુ – ધડાકા સામેની અમેરિકાની નારાજગી આ વર્ગે જ હળવી કરાવી હતી અને ભારતના અણુ વનવાસનો અંત લાવતું વિધેયક 2008માં પસાર કરાવ્યું હતું. ભારતના વડાપ્રધાન રીપબ્લિકનો અને ડેમોક્રેટીક ભારતીય અમેરિકનોમાં જાણીતા છે પરંતુ હવે આ સમુદાય યુક્રેન મુદ્દે ભારત સરકાર વિરોધી અભિગમ જાહેરમાં અપનાવે તો તેનાથી 7, રેસકોર્સ રોડ ખાતે ચિંતા ઉદભવી શકે.
અન્ય અમેરિકનોની માફક ભારતીય અમેરિકનો પણ યુક્રેનમાં રશિયાના આક્રમણથી થથરીને ગભરાયેલા છે. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં વિનાશ અને જાનહાનિથી આ વર્ગ પણ કંપી ઉઠ્યો છે. મોદી સરકારે યુક્રેન યુદ્ધને નહીં વખોડતા તેની સામે વધેલી નારાજગી પણ ભારતીય અમેરિકનોએ અનુભવી છે. ભારતે રશિયન ઘૂસણખોરીને વખોડી પણ નથી. એક ભારતીય અમેરિકનના કહેવા પ્રમાણે પેન્સિલ્વેનિયામાં પક્ષના પદાધિકારીએ તેમને પ્રશ્ન કર્યો હતો કે ભારત શા માટે રશિયનોને ટેકો આપે છે?
અમેરિકન હિંદુ કોએલિશનના અધ્યક્ષ ને રીપબ્લિકન કાર્યકર શેખર તિવારીના જણાવ્યા પ્રમાણે યુક્રેનમાં રશિયન લશ્કર નરસંહાર કરી રહ્યું છે. કેટલાક ભાજપી નેતાઓના નિકટતમ તિવારીએ જણાવ્યું હતું કે, એક ગાંધીવાદી, હિંદુ તરીકે તેમના માટે આ બધું (યુક્રેનની સ્થિતિ) પચાવવું અઘરું છે.
તિવારીની માફક અન્ય ભારતીય અમેરિકનો પણ ભારત સરકારની ટીકા નહીં કરવાની કાળજી સાથે યુક્રેનની સ્થિતિ મામલે પોતાનો ભય વ્યક્ત કરે છે. યુક્રેન યુદ્ધ મામલે ભારત સરકારથી અળગા થવાથી બે હેતુ સરવાની ગણતરી છે. આમ કરીને ભારત સરકારથી પોતે અલગ, સ્વતંત્ર હોવાની અને પોતાની લાગણી અભિવ્યક્તિ થશે તેમ જણાવાયું છે. કેટલાક ભારતીય અમેરિકનોની એવી દલીલ છે કે ભારતે મોસ્કોને વખોડી કોઇ એક પક્ષ લેવો રહ્યો અને તેમ કરવું વ્યૂહાત્મક રીતે વધુ અર્થપૂર્ણ રહેશે.
પ્રેસિડેન્ટ બાઇડેનના ચૂંટણી પ્રચારમાં નિકટતમ કામગીરી નિભાવનાર તથા ડેમોક્રેટીક વ્યૂહરચનાકાર રમેશ કપૂર જણાવે છે કે રશિયાને નહીં વખોડવાનો ભારતનો અભિગમ ચીન સાથેની સંભવિત સંઘર્ષ વખતે અમેરિકાની મદદ મેળવવામાં મુશ્કેલીરૂપ નીવડી શકે. કોંગ્રેસમેન રો ખન્નાએ પણ માર્ચમાં એક મુલાકાતમાં આવી જ વાત કરતાં જણાવ્યું હતું કે, ભારતે મોસ્કોને વખોડી એક પક્ષ લેવો રહ્યો. ભારતમાં ચીનની ઘૂસણખોરી વખતે પુતિન નહીં પરંતુ અમેરિકા મદદે આવ્યું હતું. ચીનને કાબૂમાં રાખવા અમેરિકાને ભારત જેવા સાથીની જરૂર છે.