યુક્રેનથી પરત વતનમાં ગયેલા હજ્જારો ભારતીય અંડરગ્રેજ્યુએટ મેડિકલ વિદ્યાર્થીઓને માટે એક નિરાશાજનક સમાચાર છે. ભારત સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, યુક્રેનમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ વિદ્યાર્થીઓને અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ યુદ્ધને કારણે પરત ફરતા તેમને કાયદાકીય જોગવાઇને અભાવે દેશની મેડિકલ કોલેજોમાં સમાવી નહીં શકાય. સરકારે એક એફિડેવિટમાં જણાવ્યું હતું કે, “અત્યાર સુધી નેશનલ મેડિકલ કમિશને કોઇપણ ભારતીય મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ કે યુનિવર્સિટીમાં વિદેશી મેડિકલ વિદ્યાર્થીને સમાવવાની કે ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી નથી.” વિદેશી મેડિકલ કોલેજ કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા પ્રથમથી ચોથા વર્ષની બેચના અંડરગ્રેજ્યુએટ મેડિકલ વિદ્યાર્થીઓએ કરેલી અરજીના જવાબમાં સરકારે આ બાબત હતી. જોકે, આવી રીતે પરત ફરેલા અને એમબીબીએસનો અભ્યાસ યુક્રેનમાં પૂરો નહીં કરી શકનારા વિદ્યાર્થીઓને મદદ કરવા નેશનલ મેડિકલ કમિશને વિદેશ મંત્રાલય સાથે ચર્ચા કરી ૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ જાહેર નોટિસ ઇસ્યુ કરી હતી.