રશિયા અને યુક્રેન વચ્ચે આશરે સાત મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં નવો વળાંક આવ્યો હતો. 2 ઓક્ટોબરે રશિયાના લશ્કરી દળોએ યુક્રેનના પ્રેસિડન્ટના વતન અને બીજા લક્ષ્યાંકો પર આત્મઘાતી ડ્રોનથી હુમલો કર્યો હતો. બીજી તરફ યુક્રેને પણ જોરદાર વળતો પ્રહાર કરીને વ્યૂહાત્મક દ્રષ્ટીએ મહત્ત્વના પુર્વીય શહેર લાઇમન પર ફરી સંપૂર્ણ કબજો કર્યો હતો. રશિયા લાઇમેનનો ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક હબ તરીકે ઉપયોગ કરતું હતું અને આ શહેરમાંથી રશિયાના દળોને પીછેહટ તેના માટે મોટા ફટકા સમાન છે.
યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે તેમના લશ્કરી દળોએ લાઇમેન પર સંપૂર્ણ અંકુશ મેળવ્યો છે. બીજી તરફ રશિયાએ શનિવારે આ શહેરમાંથી પીછેહટની જાહેરાત કરી હતી. દક્ષિણ યુક્રેનમાં ઝેલેન્સ્કીના વતન ક્રિવી રિહની સ્કૂલ પર આત્મઘાતી ડ્રોનથી હુમલો કરીને બે માળ ધરાશાયી કર્યા હતા. રશિયા તાજેતરના સપ્તાહથી ઇરાન બનાવટના આત્મઘાતી ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે. યુક્રેનના એર ફોર્સે જણાવ્યું હતું કે તેને પાંચ ડ્રોન તોડી પાડ્યા છે. યુક્રેન શહેર ઝેપોરિઝિયા પર પણ હુમલા થયા હતા. યુક્રેન મિલિટરીએ સંખ્યાબંધ રશિયના પોસ્ટ્સ, દારુગોળાના ડેપો અને બે એસ-30 એન્ટ્રી એરફ્રાકટ બેટરી પર હુમલા કર્યા હતા.