રશિયાએ ફરી એકવાર ભીષણ મિસાઇલ હુમલા કરી યુક્રેનના મહત્ત્વના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને શનિવારે (22 ઓક્ટોબર)એ તબાહ કરી નાખ્યું હતું. 36થી વધુ રોકેટના હુમલાને કારણે 15 લાખ લોકો માટે વીજળી ગૂલ થઈ ગઈ હતી. ઘણા પ્રદેશોમાં અંધારપટનો છવાયો હતો અને કેટલાકમાં વિસ્તારોમાં પાણીનો પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.
યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમિર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયાએ 36 મિસાઇલો છોડીને ભીષણ હુમલા કર્યા હતા. મોટાભાગના મિસાઇલનો હવામાં તોડી પાડવામાં આવી હતી.
યુક્રેન પર વ્લાદિમીર પુતિનના આક્રમણને બે દિવસ પછી આઠ મહિના પૂરા થશે. છેલ્લા બે અઠવાડિયાથી રશિયા વીજળી અને હીટિંગ ફેસિલિટી સહિતના નાગરિક સ્થળો પર પ્રહાર કરી રહ્યું છે. શિયાળામાં યુક્રેનના લાખ્ખો લોકો વીજળી વગરના બને તેવી રશિયાની રણનીતિ હોય તેવું લાગે છે.
ઝેલેન્સકીના ટોચના સહાયકે કહ્યું હતું કે રશિયા યુક્રેનના લોકોને તેમના ઘરોમાંથી ભગાડીને યુરોપ માટે નવા શરણાર્થી સંકટ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. મિખાઈલો પોડોલ્યાકે ટ્વિટર પર જણાવ્યું હતું કે પુતિન તેમની યોજનાને સફળ બનાવી શકશે કે નહીં તેનો આધાર યુરોપના નેતાઓ પર છે.
પૂર્વ અને દક્ષિણપૂર્વમાં યુદ્ધના મેદાનમાં ક્રેમલિન સૈનિકોને સંખ્યાબંધ સ્થળો પર પીછેહટ કરી હોવાથી રશિયા યુક્રેનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરી રહ્યું છે. આ હુમલા રશિયન દળોના નવા કમાન્ડરની નિમણુક પછી થઈ રહ્યાં છે. રશિયાએ એરફોર્સ જનરલ સર્ગેઈ સુરોવિકિનની આઠ ઓક્ટોબરે નવા સેનાપતિ બનાવ્યા હતા.
રશિયાએ શનિવારે યુક્રેનના પશ્ચિમમાં વોલીનથી દક્ષિણપૂર્વમાં ઝાપોરિઝ્ઝિયા સુધીના વિસ્તારોના વીજળી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કર્યા હતા. ખાર્કિવથી ઉત્તરપૂર્વમાં 1,000 કિલોમીટર દૂર ટ્રાન્સકાર્પાથિયાથી લઇને ખેરસન સહિતના વિસ્તારોમાં એર એલાર્મ વાગી હતી.
યુક્રેનને 18 લોંગ રેન્જ મિસાઇલ તોડી પાડી હોવાના અહેવાલ આવ્યા હતા. વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબા સહિતના યુક્રેનિયન અધિકારીઓએ વધુ સારી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ માટે સાથી દેશો પાસે મદદ માગી હતી.