રશિયા-યુક્રેન વચ્ચે યુધ્ધની શક્યતા ઊભી થઈ છે ત્યારે યુક્રેનમાં અભ્યાસ કરતાં ગુજરાતના વિદ્યાર્થીના વાલીઓમાં ચિંતા ઊભી થઈ છે. યુદ્ધના ભણકારો વચ્ચે યુક્રેનની યુનિવર્સિટીઓએ વિદેશી વિદ્યાર્થીઓને તેમના વતનમા પરત જવા માટે સૂચના આપી છે. તેનાથી વડોદરા સહિત મધ્ય ગુજરાતમાંથી યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતામા મુકાયા છે. ભારતના ૧૮,૦૦૦ વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ કરી રહ્યા છે. યુક્રેન ખાતેની ઇન્ડિયન એમ્બેસીએ પણ મંગળવારે ટ્રાવેલ એડવાઇઝરી જારીને ભારતના નાગરિકોને યુક્રેન છોડી દેવાની સૂચના આપવામાં આવી છે. એમ્બેસીએ જણાવ્યું હતું કે યુક્રેનની હાલનની અનિશ્ચિતતાને પગલે ભારતના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને હંગામી ધોરણે યુક્રેન છોડી દેવાની સૂચના આપવામાં આવે છે.
વડોદરા વાલી મંડળના આગેવાનોએ મંગળવારે ગાંધીનગરમાં સરકાર સમક્ષ રજૂઆત કરીને યુક્રેનથી વિદ્યાર્થીઓને પરત લાવવા માટે માગણી કરી હતી. વાલીમંડળના આગેવાનોએ જણાવ્યું હતું કે યુક્રેનમાં હાલમાં ગુજરાતના અંદાજે ૪૦૦૦ વિદ્યાર્થીઓ સહિત ૧૮,૦૦૦થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં વડોદરા અને મધ્ય ગુજરાતના આશરે ૫૦૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે મોટાભાગના વિદ્યાર્થીઓ ત્યાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે.
રવિવારે યુક્રેનની યુનિવર્સિટીઓના મેનેજમેન્ટે ભારતીય સહિત વિદેશી વિદ્યાર્થીઓને સૂચના આપી હતી કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા વિદ્યાર્થીઓ તેમના વતનમાં પરત ફરે તે હિતાવહ છે.આ સૂચના બાદ ભારતના ૧૮૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ વતન પરત આવવા માટે ફ્લાઇટ ટિકિટ બુક કરાવવા ધસારો કર્યો છે. તેનાથી એર ટિકિટમાં ચાર ગણો થયો હતો. યુક્રેનથી ભારત આવવા માટે સામાન્ય રીતે એક ટિકિટના રૂ.૨૫,000 હોય છે પરંતુ હવે વિમાનનું ભાડુ રૂ.1 લાખ સુધી પહોંચ્યું છે. વાલીમંડળે યુક્રેનથી વિદ્યાર્થીઓને પરત લાવવા સરકાર દ્વાર ખાસ વિમાનો મોકલવાનો અનુરોધ કર્યો હતો.