યુક્રેન મુદ્દે તંગદિલીમાં વધારો થઈ રહ્યો ત્યારે રશિયાના ટોચના રાજદ્વારીએ જણાવ્યું હતું કે રશિયા યુદ્ધની શરૂઆત નહીં કરે, પરંતુ તેના સુરક્ષાના હિતો પર પશ્ચિમ દેશોને તરાપ મારવા દેશે નહીં.અગાઉ અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને યુક્રેનના પ્રેસિડન્ટને ચેતવણી આપી હતી કે રશિયા ફેબ્રુઆરીમાં તેના પડોશી દેશ સામે લશ્કરી કાર્યવાહી કરે તેવી શક્યતા છે.
રશિયાના રેડિયો સ્ટેશનને આપેલા લાઇવ ઇન્ટરવ્યૂમાં રશિયાના વિદેશ પ્રધાન સર્ગી લાવરોવે જણાવ્યું હતું કે રશિયન ફેડરેશન પર તે આધાર રાખે છે ત્યાં સુધી યુદ્ધ નહીં થાય, અમે યુદ્ધ ઇચ્છતા નથી. પરંતુ અમારા હિતોને કચડી નાંખવામાં આવે અને તેની અગવણના થાય તેવું અમે ઇચ્છતા નથી.
યુક્રેનના મુદ્દે તાજેતરમાં તંગદિલીમાં વધારો થયો છે. અમેરિકા અને તેના સહયોગી નાટો દેશોને ચિંતા છે કે યુક્રેનની નજીક રશિયાના આશરે એક લાખ સૈનિકોની જમાવટથી એવા સંકેત મળે છે કે મોસ્કો યુક્રેન પર હુમલો કરી શકે છે. જોકે રશિયાએ આવી કોઇ યોજનાનો વારંવાર ઇનકાર કર્યો છે અને માગણી કરી છે કે નાટો વચન આપે કે યુક્રેનને નાટોમાં જોડાવાની પરવાનગી ન આપવામાં આવે તથા નાટો યુક્રેનમાં તેના લશ્કરી દળો અને મિલિટર ઇક્વિપમેન્ટ પાછા ખેંચી લે.
અમેરિકા અને નાટોએ આ સપ્તાહે આવી માગણીને ફગાવી દીધી હતી. જોકે અમેરિકાએ કેટલાંક મુદ્દા પર ચર્ચાવિચારણા કરવાની દરખાસ્ત કરીને તંગદિલીમાં ઘટાડો કરવાનો માર્ગ ઓફર કર્યો હતો. રશિયાએ આ મુદ્દે અત્યાર સુધી આક્રમક વલણ અપનાવ્યું છે.