યુક્રેનના જરૂરતમંદ શરણાર્થીઓ માટે ભંડોળ એકત્ર કરવા લોટસ ટ્રસ્ટ અને ઇસ્કોન ભક્તિવેદાંત મનોરના સંયુક્ત પ્રયાસો સાથે રવિવાર, 24 એપ્રિલ 2022ના રોજ એક ચેરિટી વોકનું આયોજન કરાયું છે.
આ ચેરિટી વોકનો પ્રારંભ સવારે નોર્થ લંડનના એડવરના કેમરોઝ એવન્યૂ ખાતેની ક્રિષ્ના અવન્તી પ્રાયમરી સ્કૂલથી થશે અને બપોરે 12 વાગ્યે વોટફોર્ડ નજીકના એલ્ડનહામમાં ભક્તિવેદાંત મનોર ખાતે તેનું સમાપન થશે. આ યાત્રા 6 માઇલ લાંબા રૂટ પર છે અને તેમાં 200થી 250 લોકો એકસાથે સહભાગી બનશે. ડેપ્યુટી મેયર ઓફ લંડન ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલ ઉપસ્થિત રહેશે અને સંપૂર્ણ સપોર્ટ આપશે.
તમામ વયજૂથના લોકો આ ઉમદા કાર્ય માટે ઉત્સાહથી આગળ આવી રહ્યાં છે. તેમાં ત્રણ વર્ષના બાળકથી લઇને 80 વર્ષના દાદા-દાદી સહિતના લોકો ભાગ લઈ રહ્યાં છે.
આ ચેરિટી વોકથી એકત્ર થયેલા ભંડોળથી યુક્રેનના કીવ અને ખારકિવ જેવા વિવિધ શહેરોમાં ભોજન માટે કાચો માલ સપ્લાય કરવાનું ચાલુ રાખવામાં આવશે. યુક્રેનના આ શહેરોમાં દરરોજ ભોજન તૈયાર કરવામાં આવે છે અને જરૂરતમંદ લોકો તથા અંડરગ્રાઉન્ડ સ્ટેશનમાં પહોંચાડવામાં આવે છે. આ સેવાકાર્યની યુક્રેનના લોકો ભરપૂર પ્રશંસા કરી રહ્યાં છે.
આ ચેરિટી વોક વિષેની વધુ માહિતી માટે અલ્પેશ પટેલનો 07956 907 653 પર સંપર્ક કરી શકાય છે. લોટસ ટ્રસ્ટની વેબસાઇટ http://thelotustrust.org/
લોટસ ટ્રસ્ટે બે મહિના પહેલા આ સેવાકાર્યનો શુભારંભ કર્યો હતો અને શરૂઆતમાં પોલેન્ડ, હંગેરી અને રોમાનિયા સહિતના યુક્રેનના પડોશી દેશોમાં યુક્રેનના સેંકડો શરણાર્થીઓને ગરમ શાકાહારી ભોજન પીરસવામાં આવતું હતું. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં પણ ફૂડ ડિલિવરી માટે ફંડ આપવામાં આવ્યું છે. આ પછી એવું જાણવા મળ્યું કે યુક્રેનના સંકટગ્રસ્ત લોકોની મુખ્ય જરૂરત ફૂડ મટિરિયલની છે. તેથી લોટસ ટ્રસ્ટે દૈનિક ધોરણે વિવિધ રૂટ મારફત યુક્રેનમાં 2,000થી 5,000 કિલોગ્રામ ફૂડ મટિરિયલની વ્યવસ્થા કરી છે, જેમાં ચોખા, કઠોળ, ટોમેટો ટિન્સ તથા અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે.
લોટસ ટ્રસ્ટના ચેરમેન ડો. સંજીવ અગ્રવાલે આ ઉમદા કાર્ય માટે સપોર્ટ આપનારા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે.